<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th May 2024

હેડ કોચ બનવાની રેસમાં ગંભીર લગભગ ફાઇનલ?

ત્રણ હજારથી વધુ અરજીઓ મળી, મોદી, શાહ, સચિન અને ધોનીના નામની પણ ફેક અરજીઓઃ ટી-ર૦ વર્લ્‍ડકપ બાદ નામ જાહેર થશે?

નવી દિલ્‍હી તા. ર૯: ભારતીય ટીમના હેડ કોચ રાહુલ દ્રવિડનો કાર્યકાળ ટી-ર૦ વર્લ્‍ડ કપ બાદ સમાપ્‍ત થઇ રહ્યો છે. ભારતીય ક્રિકેટ કન્‍ટ્રોલ બોર્ડ એ ટીમના હેડ કોચ પદ માટે પહેલાંથી જ અરજીઓ મંગાવી લીધી છે, જેની ડેડલાઇન ર૭ મે હતી. સમ મર્યાદા પૂરી થવા છતાં ભારતીય ટીમના હેડ કોચ પદના ઉમેદવારને લઇને સસ્‍પેન્‍સ છે, કારણ કે અત્‍યાર સુધી આ વિશે બોર્ડ તરફથી કોઇ નિવેદન બહાર આવ્‍યું નથી. સુત્રો અનુસાર બોર્ડ હાલમાં વર્લ્‍ડ કપની તૈયારીમાં વ્‍યસ્‍ત હોવાને કારણે નિર્ણય લેતાં પહેલાં થોડો વધુ સમય લઇ શકે છે. કોલકાતા નાઇટ રાઇડર્સને ત્રીજી વખત ચેમ્‍પિયન બનાવનાર ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીર અને ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર વી.વી.એસ. લક્ષ્મણ હેડ કોચની રેસમાં સૌથી આગળ ચાલી રહ્યા છે.

આઇપીએલ ફાઇનલ દરમ્‍યાન ભારતીય ક્રિકેટ બોર્ડના સચિવ જય શાહ અને કલકત્તાના મેન્‍ટર ગૌતમ ગંભીર મેદાન પર ચર્ચા કરવા જોવા મળ્‍યા હતા જેને કારણે ગૌતમ ગંભીરનું નામ હેડ કોચ તરીકે ફાઇનલ માનવામાં આવી રહ્યું છે.

એક રિપોર્ટ અનુસાર ભારતીય ટીમના મુખ્‍ય કોચના પદ માટે ગૂગલ ફોર્મ દ્વારા ૩ હજારથી વધુ અરજીઓ મળી હતી, જેમાં ઘણી ફેક અરજીઓ સામેલ છે. કેટલાક લોકોએ વડા પ્રધાન નરેન્‍દ્ર મોદી, કેન્‍દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર્સ સચિન તેન્‍ડુલકર અને મહેન્‍દ્રસિંહ ધોની જેવી ફેમસ હસ્‍તીઓનાં નામ આપીને એકથી વધુ ફેક અરજીઓ આપી છે જેને કારણે હવે ભારતીય ક્રિકેટ બોર્ડ માટે કામ વધી ગયું છે, કારણ કે તેમને હવે એમાંથી સાચી અરજીઓ ઓળખવાની છે.

(12:17 PM IST)