તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Sunday, 2nd June 2024
વોર્મઅપ મેચ દરમયાન રોહિતને મળવા એક ચાહક મેદાનમાં ઘુસી ગયો, અમેરિકી પોલીસે પકડી લીધો પણ રોહિતે આ ફેનને જવા દેવા પોલીસને વિનંતી કરી

ન્યુયોર્કઃ ન્યૂયોર્કના નાસુ કાઉન્ટી સ્ટેડિયમમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની વોર્મઅપ મેચ દરમિયાન એક અસાધારણ ઘટના બની હતી. મેચ દરમિયાન રોહિત શર્માનો એક ફેન મેદાનમાં તેને મળવા દોડી ગયો હતો. તે રોહિત શર્મા સાથે વાત કરી રહ્યો હતો તે દરમિયાન જોકે અમેરિકી પોલીસના બે જવાનો ચિત્તાની જેમ મેદાનમાં દોડી આવ્યા હતા અને એ ફેનને જમીન પર પાડી દઈ તેના ઉપર નિયંત્રણ મેળવી લીધું હતું.
આ સમગ્ર ઘટના બની રહી હતી ત્યારે રોહિત શર્મા જોકે અમેરિકી પોલીસને આવી બળજબરી નહીં કરવા સતત સમજાવતો રહ્યો પરંતુ પોલીસ તેનું સાંભળતી નહોતી. આ દરમિયાન જોકે પેવેલિયન તરફથી ભારતીય ક્રિકેટ ટીમના એક અધિકારી દોડીને આવ્યા અને પોલીસને સમજાવ્યા ત્યારે જ પોલીસે રોહિત શર્માને ફેનને મુક્ત કર્યો હતો.
અમેરિકી પોલીસના કબજામાંથી છૂટેલો ફેન અતિશય ગભરાઈ ગયો હતો પરંતુ તેને ભારતીય ક્રિકેટ ટીમના અધિકારી તેમની સાથે પેવેલિયન તરફ લઈ ગયા હતા. આ ઘટનાથી થોડીવાર માટે સમગ્ર સ્ટેડિયમમાં ભારે તંગદિલી છવાઈ ગઈ હતી.
અમેરિકી પોલીસ આ ઘટનાને સલામતીનો ભંગ માને છે અને તેથી તત્કાળ પગલાં લઈ મેદાનમાં દોડી ગયેલા એ વ્યક્તિને જમીન ઉપર પાડી દઈ તેના ઉપર નિયંત્રણ મેળવવા પ્રયાસ કર્યો હતો. પેવેલિયનમાંથી લેવાયેલા વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, રોહિત શર્મા બંને પોલીસ અધિકારીઓને સતત વિનંતી કરી રહ્યો છે કે આ કોઈ ગંભીર ઘટના નથી અને મેદાનમાં દોડી આવેલા યુવક સાથે આટલી બધી સખ્તી ન કરે.
રોહિત શર્માનું આવું વલણ જોઈને સોશિયલ મીડિયા ઉપર અનેક લોકો તેના વખાણ પણ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે, રોહિત શર્મા દયાળુ વ્યક્તિ છે.
(3:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
