<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th June 2024

યુગાન્ડાએ T20 વર્લ્ડ કપનો સૌથી ઓછો સ્કોર બનાવ્યો, 10 વર્ષ જૂના રેકોર્ડની કરી બરાબરી : વેસ્ટ ઈન્ડિઝે યુગાન્ડાને માત્ર 39 રનમાં જ ઓલ આઉટ કરી દીધું

વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 173 રન બનાવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝ માટે જોન્સન ચાર્લ્સે 42 બોલમાં 44 રન બનાવ્યા હતા જ્યારે રસેલે 17 બોલમાં છ ચોગ્ગાની મદદથી 30 રનની અણનમ ઈનિંગ રમી

નવી દિલ્હી તા.૯

 T20 વર્લ્ડ કપ 2024ના ગ્રુપ Cની મેચમાં વેસ્ટ ઈન્ડિઝે યુગાન્ડાને 134 રનથી હરાવીને મોટી જીત નોંધાવી હતી. બોલરોના શાનદાર પ્રદર્શનના આધારે વેસ્ટ ઈન્ડિઝે યુગાન્ડાને માત્ર 39 રનમાં જ ઓલ આઉટ કરી દીધું હતું. ટી20 વર્લ્ડ કપમાં ટીમનો આ સૌથી ઓછો સ્કોર છે. યુગાન્ડાએ 10 વર્ષ જૂના રેકોર્ડની બરાબરી કરી લીધી છે.

વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 173 રન બનાવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝ માટે જોન્સન ચાર્લ્સે 42 બોલમાં 44 રન બનાવ્યા હતા જ્યારે રસેલે 17 બોલમાં છ ચોગ્ગાની મદદથી 30 રનની અણનમ ઈનિંગ રમી હતી.

જવાબમાં યુગાન્ડાની આખી ટીમ 12 ઓવરમાં માત્ર 39 રનમાં સમેટાઈ ગઈ હતી. માત્ર એક બેટ્સમેન જુમા મિયાગીએ અણનમ રહીને 13 રનની ઇનિંગ રમી હતી. અકીલ હુસૈને પાંચ વિકેટ લીધી હતી. યુગાન્ડાએ T20 વર્લ્ડ કપમાં સંયુક્ત પ્રથમ સૌથી ઓછો સ્કોર બનાવ્યો.

T20 વર્લ્ડ કપમાં સૌથી ઓછો સ્કોર

39 - NED vs SL, ચટગોંગ, 2014

39 - UGA vs WI, પ્રોવિડન્સ, 2024*

44 - NED vs SL, શારજાહ, 2021

55 - WI vs ENG, દુબઈ, 2021

58 - UGA vs AFG, ગુયાના, 2024

બે વખતની ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝે T20 વર્લ્ડ કપમાં શાનદાર શરૂઆત કરી છે. ટીમે તેની બંને મેચ જીતી છે. વેસ્ટ ઈન્ડિઝની ટીમ ચાર પોઈન્ટ સાથે અફઘાનિસ્તાન પછી ગ્રુપ સીમાં બીજા સ્થાને છે જ્યારે યુગાન્ડાની ટીમ એક જીત અને બે હાર સાથે ત્રણ મેચમાં બે પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે.

(4:30 PM IST)