<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th June 2024

પાકિસ્તાની બોલરો સામે ભારતીય બેટ્સમેનો નિષ્ફળ રહ્યા; ટીમ ઈન્ડિયા 19 ઓવરમાં 119 રનમાં સમેટાઈ

કોહલીથી લઈને રોહિત શર્મા, સુર્યકુમાર યાદવ સુધી તમામ સસ્તામાં આઉટ :એકમાત્ર ઋષભ પંતે 42 રન ફટકાર્યા:પાકિસ્તાને ટી-20 વર્લ્ડ કપમાં પહેલીવાર ભારતને ઓલ આઉટ કર્યું: નસીમ અને રઉફે 3-3 વિકેટ અને મોહમ્મદ આમીરે 2 વિકેટ લિધિ

નવી દિલ્હી. પાકિસ્તાની પેસ બેટરી સામે ભારતીય સ્ટાર બેટ્સમેનો સસ્તામાં પેવેલિયન પરત ફર્યા હતા. T20 વર્લ્ડ કપ 2024ની 19મી મેચમાં પાકિસ્તાને ભારતને 119 રનમાં ઓલઆઉટ કર્યું,  ઓપનિંગમાં આવેલો વિરાટ કોહલી સતત બીજી મેચમાં ફ્લોપ રહ્યો હતો. કેપ્ટન રોહિત શર્માથી લઈને સૂર્યકુમાર યાદવ અને શિવમ દુબે પણ ફ્લોપ રહ્યા હતા.

 

  ઋષભ પંત એકમાત્ર એવો બેટ્સમેન હતો જેણે પાકિસ્તાની બોલરોનો હિંમતપૂર્વક સામનો કર્યો હતો. જો કે તે પણ 42 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. આ પહેલીવાર છે જ્યારે પાકિસ્તાને ટી-20 વર્લ્ડ કપમાં પહેલીવાર ભારતને ઓલ આઉટ કર્યું.

 

   અગાઉ T20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન (IND vs PAK) ની ટીમો 7 વખત ટકરાઈ હતી. પરંતુ આ પહેલા ક્યારેય બન્યું ન હતું. કોઈ ભારતીય બેટ્સમેન અડધી સદી ફટકારી શક્યો નહોતો. ફાસ્ટ બોલર નસીમ શાહ અને હરિસ રઉફના નેતૃત્વમાં બોલરોના શાનદાર પ્રદર્શનને કારણે પાકિસ્તાને ભારતને 119 રનમાં આઉટ કરી દીધું હતું. નસીમ અને રઉફે 3-3 વિકેટ લીધી હતી. મોહમ્મદ આમીરે 2 જ્યારે શાહીન શાહ આફ્રિદી (29/1)ને એક વિકેટ મળી હતી.

 

  ભારત તરફથી રિષભ પંતે 31 બોલમાં 6 ચોગ્ગાની મદદથી સૌથી વધુ 42 રન બનાવ્યા હતા. માત્ર અક્ષર પટેલ (20) અને કેપ્ટન રોહિત શર્મા (13) જ બે આંકડા સુધી પહોંચી શક્યા હતા. આખી ભારતીય ટીમ 19 ઓવર સુધી મર્યાદિત હતી. વરસાદના કારણે મેચ 50 મિનિટ મોડી શરૂ થઈ હતી. પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

 

 રોહિતે શાહીન શાહ આફ્રિદીની પહેલી જ ઓવરમાં સિક્સર ફટકારી હતી પરંતુ તે પછી ફરી વરસાદ પડ્યો અને રમત અડધા કલાકથી વધુ સમય માટે રોકી દેવામાં આવી હતી. 

 

  જ્યારે મેચ ફરી શરૂ થઈ ત્યારે વિરાટ કોહલી (04)એ નસીમના બોલ પર ચોગ્ગો ફટકારીને પોતાનું ખાતું ખોલાવ્યું પરંતુ એક બોલ પછી તે કવર પોઈન્ટ પર ઉસ્માન ખાનના હાથે કેચ થઈ ગયો. શાહીનની આગલી ઓવરમાં રોહિત (13) પણ ડીપ સ્ક્વેર લેગ પર રઉફને કેચ આપી બેઠો હતો. અક્ષરે શાહીનના સતત બોલ પર ચોગ્ગા અને છગ્ગા ફટકાર્યા હતા. પંતે આમિરના બોલને બાઉન્ડ્રી તરફ મોકલ્યો પરંતુ પછીના બોલ પર ઉસ્માને મુશ્કેલ કેચ લીધો. પાવર પ્લેમાં ભારતે બે વિકેટે 50 રન બનાવ્યા હતા. વિરાટ આયર્લેન્ડ સામેની મેચમાં પણ નિષ્ફળ રહ્યો હતો. તે મેચમાં તે પાંચ બોલમાં એક રન બનાવી શક્યો હતો.

(12:35 AM IST)