<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th June 2024

આજે સૌરભ નેત્રાવલકર જૂના સાથીઓ સામે રમવા તૈયાર

આજે ભારત-અમેરિકા વચ્ચે ટી-૨૦ મુકાબલો

ન્યૂયોર્ક,તા. ૧૨:આઇસીસી ટી-૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪ પાકિસ્તાન સામેની મેચમાં બે વિકેટ લેનાર અને પછી સુપર ઓવરમાં જબરદસ્ત બોલિંગ કરીને પાકિસ્તાનને જીતથી દૂર રાખનાર યુએસએના ફાસ્ટ બોલર સૌરભ નેત્રાવલકર પર તમામની નજર છે. બહુ ઓછા લોકોને ખ્યાલ છે કે કોઈ એક સમયે સૌરભ કનીયર ટીમ ઇન્ડિયાનો પણ હિસ્સો રહ્યો છે.સૌરભ નેત્રાવલકર ભારત તરફથી અન્ડર-૧૯ વર્લ્ડ કપ રમ્યો છે. આટલું જ નહીં તે મુંબઈ માટે બે સિઝન રણજી ટ્રોફી પણ રમ્યો છે. પરંતુ બાદમાં તેને લાગ્યું કે ભારતમાં રહીને તે ટીમ ઇન્ડિયા માટે નહીં રમી શકે ત્યારે તેણે અમેરિકાનો પંથ પકડ્યો હતો. અમેરિકા આવીને તે હાલમાં જાણીતી સોફટવેર કંપની ઓરેકલ માટે કામ કરે છે. સૌરભ ઓરેકલમાં સોફટવેર એન્જિીનયર છે અને યુએસએ માટે પાર્ટ ટાઈમ ક્રિકેટ રમે છે.

પાકિસ્તાન સામે અદ્ભુત દેખાવ કર્યા બાદ નેત્રાવલકર તમામની નજરોમાં આવી ગયો હતો અને ભારતીય મીડિયા તો તેની પાછળ ગાંડું થઇ ગયું હોય એવું લાગે છે. આજકાલ ભારતીય મીડિયામાં સૌરભ પોતાના ઇન્ટરવ્યુ આપી રહ્યો છે અને તે પણ એક પછી એક. આવા જ એક ઇન્ટરવ્યુમાં સૌરભે પોતાના ભારતના દિવસો યાદ કર્યા હતા અને તે જે કોઇપણ ભારતીય ક્રિકેટરો સાથે રમ્યો હતો તેને પણ તેણે યાદ કર્યા હતા.સૌરભ નેત્રાવલકરે ખાસ કરીને પોતાના સાથી ખેલાડી સૂર્ય કુમાર યાદવ વિશે કહ્યું હતું. સૌરભે કહ્યું હતું કે તે અને સ્કાય અન્ડર-૧૫ સાથે રમ્યા હતા. ત્યારે પણ સૂર્ય કુમાર યાદવ બોલરોને ચારેતરફ ફટકારતો હતો. આટલું જ નહીં પરંતુ સ્કાય કાયમ મોટી મોટી સેન્ચુરીઓ પણ મારતો હતો.

નેત્રાવલકરનું કહેવું છે કે પૂર્વ સાથી ખેલાડી હોવાને કારણે તેને સૂર્ય કુમાર યાદવ આજે જે પોઝીશન પર છે તે જોઇને તેને ખૂબ આનંદ થાય છે. તેણે ઉમેર્યું હતું કે જયારે તેઓ સાથે રમતા ત્યારે જ એમ લાગતું હતું કે આ છોકરો એક દિવસ બહુ મોટું નામ કરશે.

ટીમ ઇન્ડિયાના હાલના કેપ્ટન રોહિત શર્મા વિશે પોતાનો અનુભવ યાદ કરતાં સૌરભે જણાવ્યું હતું કે તેણે મુંબઈ રણજી ટ્રોફીની નેટ્સમાં રોહિત શર્માને બોલિંગ કરી હતી અને ત્યારે તેને ખ્યાલ ન હતો કે એક દિવસ રોહિત ટીમ ઈન્ડિયાનો કેપ્ટન થશે. સૌરભ નેત્રાવલકરને એ પણ યાદ છે કે તે વિરાટ કોહલી સામે પણ એક ફર્સ્ટ કલાસ મેચ રમ્યો છે.

ભારતમાં જન્મેલોઙ્ગ અમેરિકા માટે રમનારો આ ખેલાડી પોતાના ભૂતપૂર્વ સાથીદારો સાથે વર્લ્ડ કપની અત્યંત મહત્વની મેચ રમશે.

(4:22 PM IST)