News of Thursday, 13th June 2024
ટીમ ઇન્ડીયા સુપર-૮માં : ૨૪મીએ ઓસ્ટ્રેલીયા સામે પડકાર
સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રેલીયા બાદ ભારત પણ સુપર-૮માં પહોંચ્યુ : બીજો મુકાબલો વેસ્ટઇન્ડિઝ કે અફઘાનિસ્તાન સામે હશે

ન્યુયોર્ક,તા.૧૩ : ટી૨૦ વર્લ્ડકપના રાઉન્ડ-૧માં સતત ત્રણ જીત હાસંલ કરીને ભારતીય ટીમ બીજા રાઉન્ડ એટલે કે, સુપર-૮માં પહોંચી ગઈ છે. સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા બાદ ટીમ આ સિઝનમાં સુપર-૮માં પહોંચનારી ત્રીજી ટીમ બની ગઈ છે. અમેરિકાને ગ્રુપની પોતાની ત્રીજી મેચમાં હરાવીને ભારતે બીજા રાઉન્ડમાં સ્થાન બનાવી લીધુ છે. હવે ભારતની ખરી કસોટી થવાની છે. કારણ કે સુપર-૮માં એક હારથી ભારતનું ટુર્નામેન્ટમાંથી બહાર થવાનું જોખમ વધી જશે. આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે ભારત આ રાઉન્ડમાં કઈ ૩ ટીમો સામે ટકરાશે.
ટીમ ઈન્ડિયા સુપર-૮માં પહોંચતા જ એ નક્કી થઈ ગયુ છે કે, તેનો સામનો ઓસ્ટ્રેલિયા સામે પણ થશે. ઓસ્ટ્રેલિયા અને ભારત ગ્રુપ-૧માં રહેશે. આ બંને ટીમો વચ્ચે આ મુકાબલો ૨૪ જૂનના રોજ ડેરેન સેમી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં થશે. આ મેચ પર તમામની નજર રહેશે. ખાસ કરીને છેલ્લી બે આઇસીસી ઈવેન્ટની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયા જ એ ટીમ રહી છે જેણે ભારત પરથી ટ્રોફી છીનવી લીધી છે. આવી સ્થિતિમાં આ વખતે ભારત ઓસ્ટ્રેલિયાને હરાવીને સેમીફાઈનલ તરફ આગળ વધવા ઈચ્છશે. જોકે, આ ભારતની સુપરની છેલ્લી મેચ હશે. આ પહેલા વધુ બે મેચ રમવાની રહેશે.
ભારત-ઓસ્ટ્રેલિયા ગ્રુપ-એ માં છે અને હવે આ ગ્રુપમાં વધુ બે ટીમો આવશે. ગ્રુપ-ડી ની બીજા નંબરની ટીમ અને ગ્રુપ-સીની પ્રથમ નંબરની ટીમ. સુપર-૮માં ભારતનો મુકાબલો આ બંને ટીમો સાથે થશે. આવી સ્થિતિમાં જો પોઈન્ટ ટેબલ પર નજર કરીએ તો ભારતનો મુકાબલો વેસ્ટ ઈન્ડિઝ અને અફઘાનિસ્તાન સામે થવાની શકયતા છે, જે ગ્રુપ ટોપ કરવાની રેસમાં સૌથી આગળ છે. બીજી તરફ ગ્રુપ ડીમાં બાંગ્લાદેશ, નેધરલેન્ડ અને નેપાળ બીજા સ્થાન માટે સંઘર્ષ કરી રહ્યા છે. આગામી મેચોમાં તસવીર સ્પષ્ટ થઈ જશે કે ભારત સુપર-૮ની પ્રથમ બે મેચ કોની સામે રમશે.
(3:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
