<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th June 2024

ભારત-અમેરિકા વચ્‍ચે જયાં મેચ રમાયેલ તે સ્‍ટેડીયમ આજે તોડી પડાશે

વર્લ્‍ડકપ માટે કામચલાઉ સ્‍ટેડીયમ ઉભુ કરાયેલઃ બુલડોઝર પહોંચ્‍યાનો વિડીયો વાયરલ

ન્‍યૂયોકઃ ગઈકાલે ટી-૨૦ વર્લ્‍ડકપની એક મહત્‍વની મેચમાં ભારતે સહ-યજમાન યુએસએને ૭ વિકેટે હરાવી દીધું હતું. આ જીત સાથે ભારત સુપર-૮ના રાઉન્‍ડમાં પહોંચી ગયું છે. પરંતુ આ બધું થયા બાદ વક્રતા એવી છે કે જ્‍યાં ગઈકાલે ભારતે યુએસએને હરાવ્‍યું હતું ત્‍યાં આજે બુલડોઝર ફરી વળવાના છે.

ભારત આ વર્લ્‍ડ કપની અત્‍યારસુધી તેની ત્રણેય મેચો અનુક્રમે આયરલેન્‍ડ, પાકિસ્‍તાન અને યુએસએ સામે ન્‍યૂયોર્કના નાસાઉ કાઉન્‍ટી ઇન્‍ટરનેશનલ ક્રિકેટ સ્‍ટેડિયમ ખાતે રમ્‍યું છે અને જીત્‍યું છે. હજી ગઈકાલે જ ભારતે યુએસએને હરાવ્‍યું અને આજે આ ગ્રાઉન્‍ડ ઉપર બુલડોઝર પહોંચી ગયા હોવાનો વિડીયો પણ સામે આવી ગયો છે.

ન્‍યૂયોર્કનું આ સ્‍ટેડિયમ એક કામચલાઉ બાંધકામ જ હતું જે ખાસ આ વર્લ્‍ડ કપ માટે ઉભું કરવામાં આવ્‍યું હતું. હજી આ વર્ષના ફેબ્રુઆરી સુધી અહીં બરફનું સામ્રાજ્‍ય હતું, ત્‍યારબાદ ધીમેધીમે અહીં ઉનાળાની શરૂઆત થઇ અને ફક્‍ત બે થી ત્રણ મહિનામાં જ આ સમગ્ર માળખું તૈયાર કરી દેવામાં આવ્‍યું હતું. માળખું તૈયાર કરવામાં લોખંડના સ્‍ટેન્‍ડ જ્‍યાં દર્શકો બેસીને મેચની મજા માણી શકે, આર્ટીફીશીયલ આઉટ ફિલ્‍ડ અને પીચ સામેલ હતા. સામાન્‍ય રીતે જે-તે સ્‍થળની જમીન ઉપર જ ક્રિકેટની પીચો તૈયાર કરવામાં આવે છે પરંતુ નાસાઉમાં એ શકય ન હતું કારણકે હજી થોડા મહીના પહેલાં તો અહીં બરફ પડ્‍યો હતો.

ગઈકાલે ભારત અને યુએસએની મેચ આ ગ્રાઉન્‍ડ પરની છેલ્લી મેચ હતી એટલે કાઉન્‍ટીની કાઉન્‍સિલ સાથેના કોન્‍ટ્રેક્‍ટ પ્રમાણે ગઈકાલે સાંજથી જ અહીં બુલડોઝરો આવી ગયા હતા જે આજે બધું જ સમથળ કરવાનું કાર્ય શરુ કરી દેશે

(4:13 PM IST)