<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th June 2024

નેપાળને હરાવીને સુપર-8માં પહોંચ્યું બાંગ્લાદેશ: હવે 22મી જૂને ભારત સામે મુકબલો

બાંગ્લાદેશના 106 રનના જવાબમાં નેપાળની ટીમ માત્ર 85 રનમાં ઓલઆઉટ થઇ ગઈ

T20 વર્લ્ડ કપ 2024ની 37મી મેચમાં બાંગ્લાદેશે નેપાળની ટીમને 21 રને હરાવી છે. આ મેચ જીતીને બાંગ્લાદેશની ટીમ સુપર-8 માટે ક્વોલિફાય થઈ ગઈ છે. દરમિયાન, નેધરલેન્ડ્સની ટીમનું સુપર-8માં પહોંચવાનું સપનું તૂટી ગયું છે અને તે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. હવે સુપર-8માં બાંગ્લાદેશની ટીમ 22 જૂને ભારત સામે ટકરાશે. નેપાળ સામે પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશે 106 રન બનાવ્યા હતા.

જેના જવાબમાં નેપાળની ટીમ 85 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી

લક્ષ્‍યનો પીછો કરતી વખતે નેપાળની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. જ્યારે કુશલ ભુર્તેલ માત્ર ચાર બનાવીને આઉટ થયો હતો. આ પછી અનિલ કુમાર ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યો હતો. કેપ્ટન રોહિત પૌડેલ અને સુદીપ જોરા પણ મોટી ઈનિંગ્સ ન રમી શક્યા. કુશલ મમલ્લા અને દીપેન્દ્ર સિંહ એરીએ થોડો સમય વિકેટ પર રહેવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મુસ્તાફિઝુર રહેમાને આ બંને ખેલાડીઓને આઉટ કરીને નેપાળના બેટિંગ ઓર્ડરની કમર તોડી નાખી હતી. કુશલે 27 રન અને દીપેન્દ્રએ 25 રન બનાવ્યા હતા. નેપાળને જીતવા માટે છેલ્લી ઓવરમાં 22 રનની જરૂર હતી. પરંતુ તે પછી સોમપાલ કામી પહેલા જ બોલ પર આઉટ થયો હતો. આ પછી અવિનાશ બોહરા બીજા બોલ પર આઉટ થયો હતો. નેપાળની આખી ટીમ માત્ર 85 રન બનાવી શકી હતી.

બાંગ્લાદેશના બોલરોએ T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી ઓછા 107 રન ડિફેન્ડ કરીને સાઉથ આફ્રિકાનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આફ્રિકન ટીમે T20 વર્લ્ડ કપ 2024માં જ બાંગ્લાદેશ સામે 114 રનનો ટાર્ગેટ ડિફેન્ડ કર્યો હતો. નેપાળ સામેની મેચમાં બાંગ્લાદેશ તરફથી તન્ઝીમ હસન શાકિબે ચાર વિકેટ ઝડપી હતી. તે ટીમ માટે હીરો સાબિત થયો. તેના સિવાય મુસ્તાફિઝુર રહેમાને મેચમાં 3 વિકેટ ઝડપી હતી.

બાંગ્લાદેશ સામેની મેચમાં નેપાળના કેપ્ટન રોહિત પૌડેલે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. નેપાળના બોલરોએ સારી બોલિંગનું કરી અને બાંગ્લાદેશના બેટ્સમેનોને મોટા શોટ ન મારવા દીધા. બાંગ્લાદેશ તરફથી શાકિબ અલ હાસે સૌથી વધુ 17 રન બનાવ્યા હતા. લિટન દાસે 10 રન અને મહમુદુલ્લાહે 13 રનનું યોગદાન આપ્યું હતું. નેપાળ તરફથી સોમપાલ કામી, દીપેન્દ્ર સિંહ એરી, રોહિત પૌડેલ, સંદીપ લામિછાનેએ 2-2 વિકેટ લીધી હતી. નેપાળની શાનદાર બોલિંગના કારણે બાંગ્લાદેશની ટીમ મોટો સ્કોર કરી શકી ન હતી અને સમગ્ર ટીમ 106 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. તેમ છતાં બાંગ્લાદેશની ટીમ 21 રનથી જીતી ગઈ.

(12:30 PM IST)