<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th June 2024

આજે ટીમ ઇન્‍ડિયા પાસે છે નસીબ બદલવાનો બેસ્‍ટ મોકો

૨૦૧૩માં ચેમ્‍પિયન્‍સ ટ્રોફી જીત્‍યા બાદ ભારતીય ટીમ ૧૧ વર્ષથી એક પણ ટાઇટલ જીતી શકી નથી : જો વરસાદ મેચ રમવા ન દે તો ભારત ડાયરેકટ ફાઇનલમાં: ગયાનાના મેદાનમાં સ્‍પિર્ન્‍સનો દબદબો જોવા મળી શકે

નવી દિલ્‍હી,તા. ૨૭: ટી-૨૦ વર્લ્‍ડ કપ ૨૦૨૪ની બીજી સેમી ફાઈનલ આજે રાત્રે ૮ વાગ્‍યાથી ગયાનાના પ્રોવિડન્‍સ સ્‍ટેડિયમમાં રમાશે. સેમી ફાઈનલમાં આજે જયારે ઇંગ્‍લેન્‍ડ સામે સામનો થશે ત્‍યારે રોહિત એન્‍ડ કંપનીની નજર બદલો લેવા પર હશે. આ ટુર્નામેન્‍ટમાં છેલ્લો ૨૦૨૨માં ઇંગ્‍લેન્‍ડને સેમી ફાઈનલ મેચમાં ભારત સામે ૧૦ વિકેટે જીત મેળવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ડિફેન્‍ડિંગ ચેમ્‍પિયન ઇંગ્‍લેન્‍ડ સામે આજે ભારતીય ટીમની સાથે વરસાદનો પડકાર રહેશે, કારણ કે એક્‍સ્‍ટ્રા ટાઈમમાં પણ જો મેચ પૂર્ણ નહીં થશે તો ટેબલટોપર ભારત ડાયરેક્‍ટ ફાઇનલમાં એન્‍ટ્રી મારશે. ભારતીય ટીમ આ વર્લ્‍ડ કપમાં ઓલરાઉન્‍ડ પ્રદર્શન કરીને અજેય રહી છે, જયારે ઇંગ્‍લેન્‍ડની ટીમ ગ્રુપ સ્‍ટેજથી સુપર-એઇટમાં માંડ માંડ પહોંચી શકી હતી.

૨૦૧૩માં ચેમ્‍પિયન્‍સ ટ્રોફી જીત્‍યા બાદ ભારતીય ટીમ છેલ્લાં ૧૧ વર્ષથી એક પણ આઇસીસી ટાઇટલ જીતી નથી. ઇંગ્‍લેન્‍ડને સેમી ફાઈનલમાં હરાવીને રોહિત એન્‍ડ કંપની ટી-૨૦ વર્લ્‍ડ કપની વધુ નજીક પહોંચી જશે. ગયાનાના પ્રોવિડન્‍સ સ્‍ટેડિયમનો હાઇએસ્‍ટ સ્‍કોર ઈંગ્‍લેન્‍ડના નામે છે. અહીં આ ટીમે ૨૦૧૦માં વેસ્‍ટ ઇન્‍ડીઝ સામે ૧૯૧ રન ફટકાર્યા હતા. ભારતીય ટીમે ૨૦૨૩માં વેસ્‍ટ ઇન્‍ડીઝ સામે આ મેદાન પર ૧૯૪ રનનો પોતાનો હાઇએસ્‍ટ સ્‍કોર કર્યો હતો. ગયાનાના આ મેદાન પર સ્‍પિનર્સનો દબદબો જોવા મળી શકે છે, કારણ કે આ પિચ પર શાર્પ ટર્ન અને લો બાઉન્‍સ વધારે જોવા મળે છે.

(3:29 PM IST)