News of Wednesday, 3rd July 2024
‘ચેમ્પિયન્સ વર્લ્ડકપ ૨૪' નામની સ્પેશ્યલ ફલાઇટ મોડી રાત્રે કે કાલે સવારે દિલ્હી આવશે
પીએમ મોદી સાથે મુલાકાત થઇ શકે છે : ખેલાડીઓએ બાર્બાડોસના વાવાઝોડાના ફોટા શેર કર્યા

નવી દિલ્હી : આઈસીસી ટી૨૦ વર્લ્ડ કપની ભારતીય ટીમ બેરિલ વાવાઝોડના કારણે દેશ પરત ફરી શકી નથી. ત્યારે હવે માહિતી મળી રહી છે કે, ટીમ ઈન્ડિયા આવતીકાલે ગુરૂવારે વહેલી સવારે ઘરે પરત ફરશે.
માહિતી મળી રહી છે કે, ટી૨૦ વર્લ્ડ કપ ચેમ્પિયન ભારતીય ટીમ બ્રિઝટાઉનથી સ્થાનિક સમયાનુસાર મંગળવારે રાત્રે ૧૧.૩૦ વાગ્યે (ભારતીય સમયાનુસાર બુધવારે સવારે નવ વાગ્યે) રવાના થઇ છે અને ગુરૂવારે વહેલી સવારે ૧ વાગીને ૧૫ મિનિટે (ભારતીય સમયાનુસાર) અથવા વહેલી સવારે દિલ્હી પહોંચશે. આ સાથે જ ભારતીય ટીમ ‘ચેમ્પિયન્સ વર્લ્ડ કપ ૨૪' નામની સ્પેશિયલ ફલાઇટથી દેશ પરત ફરવાની છે.
બાર્બાડોસમાં બેરિલ વાવાઝોડાના કારણે એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યો હતો. જે હવે શરૂ કરી દેવામાં આવ્યો છે. દિલ્હી પહોંચ્યા બાદ ટીમ ઈન્ડિયાને પીએમ મોદી સમ્માનિત કરશે, પરંતુ અત્યાર સુધીમાં આ કાર્યક્રમને લઈને ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી નથી.
બાર્બાડોઝનાં વડાં પ્રધાન મિઆ મોટલીએ કહ્યું હતું કે બાર્બાડોઝથી નીકળવાનો સમય સીમિત છે, કારણ કે બુધવારે પણ વધુ એક વાવાઝોડું આવવાની સંભાવના છે. તેમણે આશા વ્યક્ત કરી છે કે ટ્રોફી જીત્યા બાદથી હોટેલમાં રોકાયેલી ભારતીય ટીમ આ લોકડાઉન છતાં ખૂબ ઉત્સાહી હશે કારણ કે એણે ભારતમાં એક દાયકા બાદ આઇસીસી ટ્રોફીના દુકાળનો અંત આણ્યો હતો.
સોશ્યલ મીડિયા પર બાર્બાડોઝના બેરિલ વાવાઝોડાના અનેક ફોટો અને વિડિયો વાઇરલ થયા છે. જસપ્રીત બુમરાહની પત્ની સંજના ગણેશને ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં બાર્બેડોઝના તોફાનના કેટલાક ફોટો શેર કર્યા હતા. જેમાં તે, જસપ્રીત અને તેનો દીકરો અંગદ કુદરતના રૌદ્ર રૂપને નિહાળી રહ્યાં હતાં. સ્ટાર ખેલાડી વિરાટ કોહલીનો પણ એક વિડિયો વાઇરલ થયો હતો, જેમાં તે હોટેલરૂમથી વિડિયો-કોલ કરીને પોતાના પરિવારને બાર્બાડોઝનાં દૃશ્યો બતાવી રહ્યો હતો.
(3:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
