News of Wednesday, 10th July 2024
હાર્દિક - બુમરાહ - અક્ષર - જાડેજાને પુરસ્કૃત કરશે ગુજરાત સરકાર : ટુંક સમયમાં એલાન
તાજેતરમાં મહારાષ્ટ્ર સરકારે રોહિત, સૂર્યકુમાર, દુબે, જયસ્વાલને પુરસ્કૃત કર્યા'તા

નવી દિલ્હી તા. ૧૦ : ગુજરાત સરકાર ગુજરાતના વ્૨૦ વર્લ્ડ કપ વિજેતા ભારતીય ક્રિકેટરો - હાર્દિક પંડ્યા, જસપ્રિત બુમરાહ, રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલ માટે ઈનામની રકમની જાહેરાત કરે તેવી શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્ર સરકારે રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે અને યશસ્વી જયસ્વાલ માટે ૧ કરોડ રૂપિયાની ઈનામી રકમની જાહેરાત કરી છે અને સમગ્ર ટીમ માટે ૧૧ કરોડ રૂપિયાના રોકડ ઈનામની પણ જાહેરાત કરી છે. બાર્બાડોસથી પરત ફર્યા બાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પણ ચારેય ખેલાડીઓનું સન્માન કર્યું હતું.
જયારે પૂછવામાં આવ્યું કે શા માટે રાજય સરકારે વ્૨૦ વિજેતા ટીમના ગુજરાતના ખેલાડીઓ માટે કોઈ ઈનામની રકમની જાહેરાત કરી નથી, ત્યારે ગુજરાતના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ‘આ મામલો રાજય સરકારની સક્રિય વિચારણા હેઠળ છે અને આગામી કેબિનેટ બેઠકમાં તેને ઉઠાવવામાં આવશે. '
જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ અને રવિન્દ્ર જાડેજાએ ટીમની જીતમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું અને જયારે પણ ટીમ તંગ સ્થિતિમાં હતી ત્યારે મુખ્ય ભૂમિકા ભજવી હતી. T20 WC ટીમના સભ્ય કુલદીપ યાદવનું સોમવારે લખનૌમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. યાદવની સીએમ સાથેની મુલાકાતને વિજય બાદ સૌજન્ય મુલાકાત તરીકે વર્ણવવામાં આવી રહી છે.
BCCI સેક્રેટરી જય શાહે કોચિંગ અને સપોર્ટ સ્ટાફ સહિત ટીમ માટે ૧૨૫ કરોડ રૂપિયાની ઈનામી રકમની જાહેરાત કરી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટીમના ૧૫ ખેલાડીઓને ૫ કરોડ રૂપિયા આપવામાં આવશે. ચાર રિઝર્વ ખેલાડીઓ રિંકુ સિંહ, શુભમન ગિલ, અવેશ ખાન અને ખલીલ અહેમદને પણ ૧ કરોડ રૂપિયા મળશે. ઓપનર યશસ્વી જયસ્વાલ, વિકેટકીપર સંજુ સેમસન અને લેગ-સ્પિનર યુઝવેન્દ્ર ચહલ, જેઓ ટીમમાં હતા પરંતુ કોઈ રમત રમી શક્યા ન હતા, દરેકને ૫ કરોડ રૂપિયા મળશે.
(12:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
