News of Wednesday, 10th July 2024
દ્રવિડની મહાનતા... પ કરોડની ઓફર ઠુકરાવી
બીસીસીઆઇ દ્રવિડને પ કરોડ આપવાના હતા જયારે અન્ય કોચીંગ સ્ટાફને અઢી કરોડ મળવાના હતા, પણ દ્રવિડે આ ઓફર ઠુકરાવી અઢી કરોડ જ લીધા

ટી-ર૦ વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાને ચેમ્પિયન બનાવનાર હેડ કોચ રાહુલ દ્રવિડનો કાર્યકાળ હવે પૂરો થઈ ગયો છે. હવે ગૌતમ ગંભીરે નવા હેડ કોચનું પદ સંભાળ્યું છે. રાહુલે વર્લ્ડ કપ દરમિયાન ખેલાડીઓ સાથે ખૂબ મહેનત કરી અને ટીમને મજબૂત બનાવી. ટીમને ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર રાહુલ દ્રવિડને બીસીસીઆઇ ખાસ ઈનામ આપવા માગતી હતી પરંતુ દ્રવિડે પોતાના બાકીના સાથી ખેલાડીઓ માટે બીસીસીઆઇ ની આ ઓફર ઠુકરાવી દીધી છે.
ટી-ર૦ વર્લ્ડ કપ ૨૦૨૪નો ખિતાબ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા જ્યારે ભારત પરત ફરી ત્યારે બીસીસીઆઇએ વાનખેડે સ્ટેડિયમમાં તમામ ખેલાડીઓનું સન્માન કર્યું હતું. આ દરમિયાન બીસીસીઆઇએ આખી ટીમ અને કોચિંગ સ્ટાફને ૧૨૫ કરોડ રૂપિયાનો ચેક પણ આપ્યો હતો. આ ૧૨૫ કરોડ રૂપિયામાંથી કોચ રાહુલ દ્રવિડને ટીમના ખેલાડીઓ સાથે ૫ કરોડ રૂપિયા મળવાના હતા, જ્યારે બાકીના બોલિંગ કોચ પારસ મ્હામ્બ્રે, ફિલ્ડિંગ કોચ ટી દિલીપ અને બેટિંગ કોચ વિક્રમ રાઠોડને ૨.૫-૨.૫ કરોડ રૂપિયા મળવાના હતા.
રાહુલે બીસીસીઆઇની ૫ કરોડ વાળી ઓફર ઠુકરાવી દીધી. આ અંગે બીસીસીઆઇના એક સૂત્રએ જણાવ્યું કે રાહુલ દ્રવિડ પણ એટલી જ રકમ લેવા માગતો હતો જેટલી અન્ય કોચને જોઈતી હતી. બીસીસીઆઇ તેમના નિર્ણયનું સન્માન કરે છે. આમ, દ્રવિડે પોતાની ઉદારતાથી ફરી એક વખત લોકોનું દીલ જીતી લીધું છે.
રાહુલ દ્રવિડની કોચિંગ અને રોહિત શર્માની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપનો ખિતાબ જીતી શકી. આ પહેલા રાહુલની કોચિંગમાં ટીમ ઈન્ડિયાએ વનડે વર્લ્ડ કપ ૨૦૨૩માં કમાલનું પ્રદર્શન કર્યું હતું પરંતુ ટીમ ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારી ગઈ હતી.
(3:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
