<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th July 2024

જેમ્સ એન્ડરસને કારકિર્દીની છેલ્લી ટેસ્ટમાં બનાવ્યો રેકોર્ડ : આ રેકોર્ડ કરનાર પ્રથમ ફાસ્ટ બોલર બન્યો

જેમ્સ એન્ડરસને 188 ટેસ્ટ મેચ રમી:તેના નામે 703 વિકેટ :જેમ્સે વનડેમાં 269 વિકેટ લીધી

ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમનો ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસન પોતાની કારકિર્દીની છેલ્લી ટેસ્ટ મેચ રમી રહ્યો છે. તેની છેલ્લી મેચમાં પણ તેણે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. જેમ્સના આ રેકોર્ડને ભાગ્યે જ કોઈ ઝડપી બોલર તોડી શકે છે 

  લંડનના લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ ટેસ્ટના બીજા દિવસે જેમ્સ એન્ડરસને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. પોતાની કારકિર્દીની છેલ્લી ટેસ્ટ મેચ રમી રહેલો જેમ્સ પોતાની ટેસ્ટ કારકિર્દીને જીત સાથે અલવિદા કહેવા માંગશે

   બીજા દિવસની રમતના અંત સુધીમાં વેસ્ટ ઈન્ડિઝે તેની બીજી ઈનિંગમાં 79 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી છે અને તે ઈંગ્લેન્ડ કરતા 171 રન પાછળ છે. જેમ્સ એન્ડરસનને પ્રથમ દાવમાં એક સફળતા મળી હતી, જ્યારે ડેબ્યૂ મેચ રમી રહેલા ગુસ એટકિન્સને 7 વિકેટ ઝડપી હતી. જોકે, એન્ડરસને બીજા દાવમાં ક્રેગ બેથવેટ અને જેસન હોલ્ડરને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો.

  જેમ્સ એન્ડરસને કારકિર્દીની છેલ્લી ટેસ્ટમાં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. તે ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં ચાલીસ હજાર બોલ ફેંકનાર પ્રથમ ઝડપી બોલર બની ગયો છે. મુથૈયા મુરલીધરન (44039), અનિલ કુંબલે (40850) અને શેન વોર્ન (40705) પછી તે ચોથો બોલર છે. ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ બોલ ફેંકનાર ફાસ્ટ બોલરોની યાદીમાં જેમ્સ ટોચ પર છે. તેના પછી સ્ટુઅર્ટ બ્રોડ (33698), કર્ટની વોલ્શ (30019), ગ્લેન મેકગ્રા (29248) અને કપિલ દેવ (27740) છે.

(8:59 PM IST)