<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd July 2024

સ્કોટલેન્ડના બોલર ચાર્લી કેસલે રચ્યો ઈતિહાસ: ડેબ્યૂમાં જ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ : વિશ્વનો નંબર-1 બની ગયો :જુઓ વિડીયો

સ્કોટલેન્ડે માત્ર 17.2 ઓવરમાં 8 વિકેટે મેચ જીતી લીધી

મુંબઈ : : ક્રિકેટની દુનિયામાં નવી પ્રતિભાઓ ઉભરી રહી છે. સોમવારે સ્કોટલેન્ડ અને ઓમાન વચ્ચે રમાયેલી મેચમાં આવી જ એક પ્રતિભા સામે આવી. ચાર્લી કેસલે સ્કોટલેન્ડના ડંડી ખાતે રમાયેલી ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ લીગ-2 મેચમાં તેની પ્રથમ ODI મેચ રમી અને બોલિંગનું એવું પ્રદર્શન બતાવ્યું કે તેણે વિશ્વ રેકોર્ડ બનાવ્યો. ફાસ્ટ બોલર ચાર્લી કેસલે ડેબ્યૂમાં 7 વિકેટ લીધી હતી. આ સાથે તેણે ઈતિહાસ રચ્યો.

   ચાર્લી કેસલ ડેબ્યૂમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો છે. તેણે 5.4 ઓવરમાં 21 રન આપીને 7 વિકેટ ઝડપી હતી. આ દરમિયાન તેણે મેડન ઓવર ફેંકી હતી. તેણે 12મી ઓવરમાં ફેંકેલા પહેલા જ બોલ પર તેની પ્રતિભા દેખાડી. આ ઓવરમાં તેણે ઝીશાન મકસૂદને પહેલા બોલ પર એલબીડબલ્યુ આઉટ કર્યો હતો. જે બાદ તેણે બીજા જ બોલ પર અયાન ખાનને બોલ્ડ કર્યો હતો. જોકે તે હેટ્રિક ચૂકી ગયો હતો, પરંતુ તેણે સનસનાટીભરી બોલિંગ કરી અને ચોથા બોલ પર ખાલિદ કૈલને આઉટ કરીને સળંગ વિકેટ લીધી. આ પછી તેણે 14મી, 18મી, 20મી અને 22મી ઓવરમાં વિકેટ લઈને ઓમાનની ટીમને બરબાદ કરી દીધી હતી. ચાર્લી કેસલની શાનદાર બોલિંગ સામે ઓમાનની ટીમ માત્ર 21.4 ઓવરમાં 91 રન બનાવીને સમેટાઈ ગઈ હતી. જેનો પીછો કરતા સ્કોટલેન્ડે માત્ર 17.2 ઓવરમાં 8 વિકેટે મેચ જીતી લીધી હતી. ચાર્લી કેસલ ડેબ્યૂમાં જ 7 વિકેટ લઈને સર્વશ્રેષ્ઠ બોલિંગ કરનાર વિશ્વનો નંબર-1 બોલર બની ગયો છે.

(9:00 PM IST)