News of Friday, 26th July 2024
કયા વિકેટકીપર-બેટરને ટીમમાં એન્ટ્રી આપવી? રિષભ પંતને કે સંજુ સેમસનને?
ભારતીય ક્રિકેટ ટીમના નવા હેડ કોચ ગૌતમ ગંભીર સામે પહેલો મોટો પડકાર : ટી-૨૦ વર્લ્ડકપ સ્કવોડમાં હોવા છતાં સંજુ સેમસનને એક પણ મેચ રમવાની તક મળી નહોતીઃ ૨૦૧૫માં ડેબ્યુ કરનાર સંજુ સેમસન ૨૮માંથી ૨૭ મેચ ૨૦૨૦ પછી રમ્યો છે

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના નવા હેડ કોચ ગૌતમ ગંભીર માટે શ્રીલંકા સામે શનિવારથી શરૂ થનારી ટી-૨૦ સિરીઝ માટે વિકેટકીપર-બેટર રિષભ પંત અને સંજુ સેમસન વચ્ચે પસંદગી કરવી પડકારજનક રહેશે. આ બન્ને આક્રમક વિકેટકીપર-બેટ્સમેન છે. વિરાટ કોહલી અને રોહિત શર્માના રિટાયરમેન્ટ બાદ ભારતીય બેટિંગ ઓર્ડરમાં બે જગ્યા ખાલી છે, પરંતુ બેટ્સમેન તરીકે બેમાંથી એકને મેદાનમાં ઉતારવો આસાન નહીં હોય. પંતે ટી-૨૦ વર્લ્ડ કપમાં ૧૭૧ રન બનાવ્યા હતા, જયારે સેમસનને ટીમનો ભાગ હોવા છતાં એક પણ મેચ રમવાની તક મળી નહોતી.
સેમસને અત્યાર સુધીમાં ૨૮ ટી-૨૦ ઇન્ટરનેશનલ મેચ રમી છે જેમાં તેણે ૧૩૩.૩૩ના સ્ટ્રાઇક-રેટથી ૪૪૪ રન બનાવ્યા છે. બીજી તરફ પંતે અત્યાર સુધી ૭૪ ટી-૨૦ ઇન્ટરનેશનલ મેચ રમી છે જેમાં તેણે ૧૨૬.૫૫ના સ્ટ્રાઇક-રેટથી ૧૧૫૮ રન બનાવ્યા છે. તમને જાણીને નવાઈ લાગશે કે ૨૦૧૫માં ઝિમ્બાબ્વે સામે ટી-૨૦ ઇન્ટરનેશનલમાં ડેબ્યુ કરનાર સંજુ સેમસને છેક જાન્યુઆરી ૨૦૨૦માં બીજી મેચ રમી હતી. તેણે ૨૮માંથી ૨૭ મેચ ૨૦૨૦ બાદ રમી છે.
આ બેમાંથી કોની પસંદગી કરવી એ મોટા ભાગે ટીમ-મેનેજમેન્ટની વિચારસરણી પર નિર્ભર રહેશે. જોકે નવા હેડ કોચ બન્નેને મેદાન પર ઉતારીને વિરોધીઓને ચોંકાવી પણ શકે છે. પલ્લેકેલે ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ત્રણેય મેચ સાંજે સાત વાગ્યે શરૂ થશે.
T૨૦ સિરીઝ શેડ્યુલ
પ્રથમ T૨૦ ૨૭ જુલાઈ
બીજી T૨૦ ૨૮ જુલાઈ
ત્રીજી T૨૦ ૩૦ જુલાઈ
(4:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
