<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th July 2024

વુમન્‍સ એશિયા કપની ફાઇનલમાં કુલ ૩૩૨ રન બન્‍યા, જે ટુર્નામેન્‍ટના ઇતિહાસમાં હાઇએસ્‍ટ રન

બેટરોનું શાનદાર પ્રદર્શન પણ બોલરો કમાલ બતાવી ન શકયાઃ ભારત રનર્સઅપ

નવી દિલ્‍હી,તા. ટી-૨૦ વિમેન્‍સ એશિયા કપની ફાઇનલમાં ભારતીય ટીમને ૮ વિકેટે હરાવીને શ્રીલંકન ટીમે ઇતિહાસ રચ્‍યો હતો. સાત વારની ચેમ્‍પિયન ભારતીય ટીમે ૬ વિકેટ ગુમાવીને ૧૬૬ રનનો ટાર્ગેટ આપ્‍યો હતો. શ્રીલંકન ટીમે માત્ર બે વિકેટે ૧૬૭ રન બનાવી ૮ બોલ પહેલાં ૮ વિકેટે જીત મેળવીને પહેલી વાર વિમેન્‍સ એશિયા કપનું ટાઇટલ જીત્‍યું હતું. ૨૦૧૮માં બંગલાદેશ સામે ફાઇનલમાં હારનાર ભારતીય ટીમ બીજી વાર આ ટુર્નામેન્‍ટમાં રનર-અપ ટીમ બની હતી.

સ્‍મૃતિ માન્‍ધનાના ૬૦ રન અને રિચા ઘોષના ૩૦ રનની મદદથી ભારતીય ટીમનો સ્‍કોર ૧૬૦ને પાર ગયો હતો. બીજી જ ઓવરમાં સાત રને શ્રીલંકાની પહેલી વિકેટ ઝડપીને ભારતીય બોલિંગે સારી શરૂઆત કરી હતી, પણ કેપ્‍ટન ચમરી અટાપટ્ટુ (૬૧ રન) અને હર્ષિતા સમરવિક્રમા (૬૯ રન)એ સાથે મળી ૮૭ રનની પાર્ટનરશિપ કરીને જીતની સ્‍ક્રિપ્‍ટ લખી નાખી હતી. બારમી ઓવર બાદ પ્‍લેયર ઓફ ધ મેચ હર્ષિતા સમરવિક્રમાએ કવિશા દિલહારી (૩૦ રન) સાથે ૭૩ રનની પાર્ટનરશિપ કરીને શ્રીલંકન ટીમને યાદગાર જીત અપાવી હતી.

ટુર્નામેન્‍ટના ઇતિહાસમાં પહેલી વાર એક મેચમાં બન્ને ટીમે ૧૫૦ પ્‍લસનો સ્‍કોર કર્યો હતો. શ્રીલંકન ટીમે આ ફોર્મેટમાં પોતાનો હાઇએસ્‍ટ ટાર્ગેટ ચેઝ કર્યો હતો. ટુર્નામેન્‍ટમાં ફાઇનલ પહેલાં અજેય રહેલી બન્ને ટીમે મળીને ફાઇનલમાં ૩૩૨ રન બનાવ્‍યા હતા, જે ટુર્નામેન્‍ટના ઇતિહાસમાં એક મેચના હાઇએસ્‍ટ રન છે. પહેલી વાર આ ટુર્નામેન્‍ટનું ટાઇટલ જીતતાં જ શ્રીલંકન ક્રિકેટ બોર્ડે શ્રીલંકાની ટીમ અને સપોર્ટ સ્‍ટાફ માટે ૧,૦૦,૦૦૦ યુએસ ડોલરના ઇનામની જાહેરાત કરી હતી.

(5:05 PM IST)