<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd August 2024

નિખત ઝરીનનું સપનું તૂટયું: રેસવોકમાં પણ નિરાશાજનક પ્રદર્શન, હોકી મેચ હાર્યા

નવી દિલ્‍હી,તા. ૨: પેરિસ ઓલિમ્‍પિક્‍સમાં ભારત વધુ એક બ્રોન્‍ઝ મેડલ શૂટિંગમાં જીત્‍યું ખરું, પણ એની સાથે આખા દિવસમાં ઘણી નિરાશાનો સામનો કરવો પડ્‍યો હતો. પુરુષ ડબલ્‍સમાં સાત્‍વિક અને ચિરાગની હાર સિવાય મહિલા શૂટિંગ ઇવેન્‍ટમાં અંજુમ મુદગીલ અને સિફત કૌર ફાઇનલમાં પ્રવેશવામાં નિષ્‍ફળ ગઈ હતી. અજેય રહેલી ભારતીય હોકી ટીમે ગઈ કાલે બેલ્‍જિયમ સામે ૨-૧થી પેરિસ ઓલિમ્‍પિક્‍સની પહેલી હારનો સામનો કરવો પડ્‍યો હતો.

બે વખતની વર્લ્‍ડ ચેમ્‍પિયન નિખત ઝરીનનું ૫૦ કિલોગ્રામની કેટેગરીમાં ઓલિમ્‍પિક મેડલ જીતવાનું સપનું ચીનની વુ યુ સામે ૦-૫થી હારી જતાં તૂટી ગયું હતું. ટોક્‍યો ઓલિમ્‍પિક્‍સની બ્રોન્‍ઝ મેડલ વિજેતા લોવલિના બોર્ગોહેન (૭૫ કિલોગ્રામ) અને વર્લ્‍ડ ચેમ્‍પિયનશિપ બ્રોન્‍ઝ મેડલિસ્‍ટ નિશાંત દેવ (૭૧ કિલોગ્રામ) મેડલથી એક જીત દૂર છે.

ભારતીય ખેલાડીઓએ પુરુષ અને મહિલા એથ્‍લીટ્‍સની ૨૦ કિલોમીટરની રેસ-વોક ફાઇનલમાં નિરાશાજનક પ્રદર્શન કર્યું હતું. પુરુષોની ઇવેન્‍ટમાં વિકાસ સિંહ અને પરમજિત સિંહ અનુક્રમે ૩૦મા અને ૩૭મા સ્‍થાને રહ્યા હતા, જયારે રાષ્ટ્રીય રેકોર્ડધારક અક્ષદીપ સિંહ ૬ કિલોમીટર પછી ખસી ગયો હતા. મહિલા વર્ગમાં રાષ્ટ્રીય રેકોર્ડધારક પ્રિયંકા ગોસ્‍વામી ૪૧મા સ્‍થાને રહી હતી.

ભારતીય તીરંદાજ પ્રવીણ જાધવ પુરુષોની રિકર્વ ઇવેન્‍ટના પ્રથમ રાઉન્‍ડમાં ચીનના ખેલાડી સામે હારીને બહાર થઈ ગયો હતો. મહિલા વ્‍યક્‍તિગત વર્ગમાં અનુભવી દીપિકા કુમારી અને ૧૮ વર્ષની ભજન કૌરની દાવેદારી અકબંધ છે. બન્ને શનિવારે પોતાની પ્રી-ક્‍વોર્ટર ફાઇનલ મેચ રમશે. ભારતીય પુરુષ અને મહિલા ટીમો ક્‍વોર્ટર ફાઇનલમાં હારીને ટુર્નામેન્‍ટમાંથી પહેલાં જ બહાર થઈ ગઈ છે.

(2:16 PM IST)