<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd August 2024

રોહિત બન્યો ઓપનર તરીકે સૌથી ઝડપી ૧૫ હજાર રન બનાવનાર બીજો ખેલાડી

રોહિત શર્માએ તોડ્યો વોર્નરનો રેકોર્ડઃશ્રીલંકા સામેની વનડે સીરિઝમાં રોહિત શર્માએ ૩૫૨મી ઇનિંગ્સ રમતા ઓપનર તરીકે ૧૫૦૦૦ રન પૂરા કર્યા

નવી દિલ્હી, તા.૨

ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ શ્રીલંકા સામેની પહેલી વનડે મેચમાં ઓપનર તરીકે ૧૫,૦૦૦ રન પૂરા કર્યા. રોહિત ભારત તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૧૫,૦૦૦ રન કરનાર ભારતનો ત્રીજો બેટર બની ગયો છે. આ સાથે જ તે ઓપનર તરીકે ૧૫,૦૦૦ રન બનાવનાર બીજો સૌથી ઝડપી બેટર બની ગયો છે.

શ્રીલંકા સામેની વનડે સીરિઝમાં રોહિત શર્માએ પોતાની ૩૫૨મી ઇનિંગ્સ રમતા ઓપનર તરીકે ૧૫૦૦૦ રન પૂરા કર્યા હતા. તેણે ડેવિડ વોર્નરનો આ ખાસ રેકોર્ડ તોડી નાખ્યો છે જેમાં ડેવિડે ૩૬૧ ઇનિંગ્સમાં ૧૫૦૦૦ રન પૂરા કર્યા હતા. હવે રોહિત ઓપનર તરીકે સૌથી ઝડપી ૧૫,૦૦૦ રન પૂરા કરનાર વિશ્વનો બીજો ઝડપી બેટર બની ગયો છે. જ્યારે વોર્નર પોતાનું સ્થાન ગુમાવતા ત્રીજા સ્થાને સરકી ગયો છે. આ યાદીમાં પહેલું સ્થાન સચિન તેંડુલકરનું છે જેણે ૩૩૧ ઇનિંગ્સ રમીને આ રેકોર્ડ બનાવ્યો હતો.

ઓપનર તરીકે સૌથી ઝડપી ૧૫૦૦૦ રન કરનાર બેટર

૩૩૧ – સચિન તેંડુલકર

૩૫૨ – રોહિત શર્મા

૩૬૧ – ડેવિડ વોર્નર

૩૬૩ – વીરેન્દ્ર સેહવાગ

૩૬૮ – ગ્રીમ સ્મિથ

૩૭૪ – એલિસ્ટર કૂક

રોહિત શર્માએ ઓપનર તરીકે ૧૫,૦૦૦ રન પૂરા કરીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આવું કરનારો ત્રીજો ભારતીય બેટર બની ગયો છે. રોહિતે પહેલા આ કારનામું વીરેન્દ્ર સેહવાગ અને સચિન તેંડુલકરે ભારત માટે કરી ચૂક્યા છે. ભારત તરફથી ઓપનર તરીકે સેહવાગે સૌથી વધુ રન બનાવ્યા છે જ્યારે સચિન બીજા અને રોહિત ત્રીજા ક્રમે છે.

ભારતીય ઓપનર તરીકે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય રન કરનાર બેટર

૧૬૧૧૯ રન – વીરેન્દ્ર સેહવાગ

૧૫૩૩૫ રન – સચિન તેંડુલકર

૧૫,૦૦૦ રન  – રોહિત શર્મા

૧૨૨૫૮ રન – સુનીલ ગાવસ્કર

૧૦૮૬૭ રન – શિખર ધવન

(9:39 PM IST)