<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd August 2024

રોહિત શર્માએ શ્રીલંકા સામે મચાવી તબાહી, બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

શ્રીલંકા સામેની પ્રથમ વનડે મેચમાં રોહિત શર્માએ માત્ર 33 બોલમાં અડધી સદી ફટકારી તેને મોટો રેકોર્ડ પણ બનાવ્યો

મુંબઈ : રોહિત શર્માએ T20 વર્લ્ડ કપ જીત્યા બાદ તરત જ આ ફોર્મેટને અલવિદા કહી દીધું હતું, પરંતુ આ ખેલાડી હજુ પણ આ ફોર્મેટની સ્ટાઈલમાં બેટિંગ કરી રહ્યો છે. કોલંબોમાં શ્રીલંકા સામેની પ્રથમ T20 મેચમાં રોહિતે પોતાના બેટથી તબાહી મચાવી હતી. કેપ્ટન રોહિત શર્માએ માત્ર 33 બોલમાં અડધી સદી ફટકારી હતી. પોતાની અડધી સદી દરમિયાન તેણે એક મોટો વર્લ્ડ રેકોર્ડ પણ પોતાના નામે કર્યો હતો.

શ્રીલંકાએ આપેલા 231 રનના લક્ષ્યનો પીછો કરી રહેલી ટીમ ઈન્ડિયાને કેપ્ટન રોહિતે શાનદાર શરૂઆત અપાવી હતી. રોહિતે બીજા જ બોલ પર લાંબી સિક્સર ફટકારીને પોતાના ઈરાદા સ્પષ્ટ કરી દીધા હતા. રોહિત આ પછી પણ રોકાયો નહીં, તેણે 3 સિક્સર અને 7 ફોર ફટકારી અને પાવરપ્લે સમાપ્ત થાય તે પહેલા જ તેની અડધી સદી પૂરી કરી. તેણે પાવરપ્લેમાં ત્રીજી વખત ODIમાં અડધી સદી ફટકારી, જે ભારત માટે સેહવાગ પછીનો સર્વશ્રેષ્ઠ રેકોર્ડ છે.

રોહિત શર્માએ છગ્ગા સાથે પોતાની અડધી સદી પૂરી કરતાની સાથે જ એક મોટો વર્લ્ડ રેકોર્ડ તોડી નાખ્યો. રોહિત શર્મા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર મારનાર કેપ્ટન બની ગયો છે. રોહિતે 234 સિક્સર ફટકારી છે અને ઈયોન મોર્ગનને પાછળ છોડી દીધો છે. મોર્ગન પહેલા, રોહિતે એમએસ ધોનીને પાછળ છોડ્યો હતો, જેણે 211 છગ્ગા ફટકાર્યા હતા.

(12:50 AM IST)