<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th August 2024

શ્રીલંકા સામે લાગલગાટ ૧૧ વન-ડે મેચ જીતનાર ભારતીય ટીમનું બે સ્પિનર્સ સામે આત્મસમર્પણ

ભારતીય ટીમની પહેલી કારમી હાર : ૨૪૧ના ટાર્ગેટ સામે ૨૦૮ રનમાં ખખડી રોહિતસેના : ૭મીએ છેલ્લો વન-ડે

નવી દિલ્હી તા. ૫ : શ્રીલંકા સામેની વન-ડે સિરીઝમાં હેડ કોચ ગૌતમ ગંભીરના કોચિંગ હેઠળ ભારતીય ટીમે પહેલી વાર હારનો સામનો કરવો પડ્યો છે. ગઈ કાલે બીજી વન-ડેમાં શ્રીલંકન ટીમે ૯ વિકેટ ગુમાવીને ૨૪૧ રનનો ટાર્ગેટ આપ્યો, જેની સામે ભારતીય ટીમ ૨૦૮ રને ઓલઆઉટ થઈને ૩૨ રને હારી ગઈ.

કોલંબોમાં ત્રણ દિવસની અંદર બીજી વાર શ્રીલંકન સ્પિનર્સની જાળમાં ભારતીય બેટર ફસાઈ ગયા. સ્પિનર જેફરી વેન્ડરસેએ ૧૦ ઓવરમાં ૩૩ રન આપીને ભારતીય ટીમના પહેલા ૬ બેટર્સને આઉટ કર્યા અને ત્યાર બાદ કેપ્ટન ચરિથ અસલંકાએ ત્રણ વિકેટ ઝડપીને શ્રીલંકાને યાદગાર જીત અપાવી હતી જેના કારણે ભારતીય કેપ્ટન રોહિત શર્માની ૬૪ રનની ઇનિંગ્સ વ્યર્થ ગઈ હતી.

આ હાર સાથે શ્રીલંકા સામે ભારતીય ટીમની ૧૧ મેચની વિનિંગ-સ્ટ્રીક પણ તૂટી ગઈ છે. છેલ્લી વખત શ્રીલંકાની ટીમે ૧૧૦૮ દિવસ પહેલાં ૨૦૨૧ની ૨૩ જુલાઈએ ભારતને વન-ડે મેચમાં હરાવ્યું હતું. ૧૮ વર્ષ બાદ શ્રીલંકા પાસે ભારતીય ટીમને વન-ડે સિરીઝમાં હરાવવાની તક પણ છે, કારણ કે શ્રીલંકાએ ત્રણ મેચની આ સિરીઝમાં ૧-૦થી લીડ મેળવી છે અને અંતિમ મેચ સાત ઓગસ્ટે રમાવાની છે. શ્રીલંકન સ્પિનર્સે પહેલી વન-ડે મેચ ટાઇ કરાવી દીધી હતી.

હવે ત્રીજી અને છેલ્લી વન-ડે મેચ ૭ ઓગસ્ટે રમાશે

(3:21 PM IST)