<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th August 2024

પેરિસ ઓલિમ્‍પિકસનો એક મેડલ ૭૮.૩૩ કરોડમાં પડયો

૧ ગોલ્‍ડ મેડલ જીતનાર પાકિસ્‍તાન ૬૨મા ક્રમે, ૬ મેડલ જીતનાર ભારતનો ૭૧મો રેન્‍કઃ ૩ મેડલ અપાવનાર શૂટિંગ તૈયારીમાં થયો હતો ૬૦.૯૩ કરોડનો ખર્ચ

નવી દિલ્‍હી,તા.૧૨: જુલાઈમાં જયારે પેરિસ ઓલિમ્‍પિક્‍સની શરૂઆત થવાની હતી ત્‍યારે સૌને આશા હતી કે ભારતીય ખેલાડીઓ પર થયેલા કરોડોના ખર્ચ અને તેમને મળેલા પર્સનલ કોચને કારણે આ વખતે ડબલ ડિજિટમાં નંબર મળશે, પણ ટોક્‍યો ઓલિમ્‍પિક્‍સમાં ૭ મેડલ જીતનાર ભારત લંડન ૨૦૧૨ની જેમ માત્ર ૬ મેડલ જીતી શક્‍યું. વિનેશ ફોગાટના વિવાદ સહિત ૬ ભારતના ખેલાડીઓ તેમની રમતમાં ચોથા ક્રમે રહીને મેડલ ચૂક્‍યા હતા. જો આ ઘટનાઓ ન બની હોત તો ભારતના ખાતામાં આજે વધુ ૭ મેડલ હોત અને પેરિસમાં ભારતનું ઐતિહાસિક પ્રદર્શન રહ્યું હોત.

ભારત સરકારે અલગ-અલગ રમત પાછળ કુલ ૪૭૦ કરોડથી વધુનો ખર્ચ કર્યો હતો જેમાંથી આંકડા પ્રમાણે ભારત સરકારે સૌથી વધારે એથ્‍લેટિક્‍સની તૈયારી પાછળ ૯૬.૦૮ કરોડ રૂપિયા ખર્ચ્‍યા હતા જેમાં ભારતને એક જ મેડલ મળ્‍યો છે. એ પણ ટોક્‍યો ઓલિમ્‍પિક ગોલ્‍ડ મેડલ વિજેતા નીરજ ચોપરાનો. ભારતે શૂટિંગની તૈયારી પાછળ ૬૦.૪૨ કરોડ રૂપિયા ખર્ચ્‍યા હતા જેમાં ભારતને ૩ મેડલ મળ્‍યા હતા. ભારત માટે મનુ ભાકર, સરબજોત સિંહ અને સ્‍વપ્‍નિલ કુસાળેએ મળીને ૩ બ્રોન્‍ઝ મેડલ અપાવ્‍યા હતા. આ સિવાય હોકીમાં ૪૧.૨૯ કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો જેમાં પુરુષોની હોકીમાં ભારતને બ્રોન્‍ઝ મેડલ મળ્‍યો હતો.

ટોક્‍યો ઓલિમ્‍પિક્‍સમાં ભારતને બેડ્‍મિન્‍ટન અને બોક્‍સિંગમાં પણ મેડલ્‍સ મળ્‍યા હતા. આ વખતે ભારતે આ રમતો પાછળ સૌથી વધારે રૂપિયા ખર્ચ્‍યા હોવા છતાં બન્નેમાં ભારતને નિરાશા સાંપડી હતી. આ સિવાય તીરંદાજી અને ટેબલ ટેનિસમાં ભારતને મેડલની આશા હતી, પરંતુ ભારત આ ઇવેન્‍ટ્‍સમાં પણ એક પણ મેડલ જીતી શક્‍યું નહોતું. ૧૧૭ની ભારતીય ટીમ પાંચ બ્રોન્‍ઝ અને એક સિલ્‍વર સાથે મેડલ ટેલીમાં ૭૧મા ક્રમે રહી હતી.૪૭૦ કરોડના ખર્ચના આધારે પેરિસ ઓલિમ્‍પિક્‍સનો એક મેડલ ભારતને ૭૮.૩૩ કરોડમાં પડ્‍યો છે.

(3:09 PM IST)