<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th August 2024

રેસલર વિનેશ ફોગાટ સ્‍વદેશ પરત ફર્યાઃ થયા ભાવુક

બજરંગ પુનીયા અને સાક્ષી સ્‍વાગત કરવા એરપોર્ટ પહોંચ્‍યા

નવી દિલ્‍હી તા. ૧૭: ભારતીય રેસલર પેરિસથી ભારત પરત ફરી છે. તે આજે સવારે દિલ્‍હીના ઈન્‍દિરા ગાંધી ઈન્‍ટરનેશનલ એરપોર્ટ પર ઉતરી હતી. એરપોર્ટ પર તેનું ભવ્‍ય સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું, જેમાં ભારતના ઓલિમ્‍પિક મેડલ વિજેતા બજરંગ પુનિયા અને સાક્ષી મલિક પણ પહોંચ્‍યા હતા. એરપોર્ટ પર વિનેશનું નાચ-ગાન સાથે સ્‍વાગત કરવામાં આવ્‍યું.

એરપોર્ટથી બહાર આવ્‍યા બાદ બજરંગ પુનિયા અને સાક્ષી મલિકે તેની સાથે વાત કરી અને તેને સાંત્‍વના આપી. વિનેશને ભલે સિલ્‍વર કે ગોલ્‍ડ મેડલ ન મળ્‍યો હોય, પરંતુ CASમાં સુનાવણી દરમિયાન આખો દેશ તેની સાથે ઊભો હતો. હવે વિનેશનું એરપોર્ટ પર કોઈપણ ગોલ્‍ડ મેડલ વિજેતાની જેમ જ સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું.

વિનેશ દિલ્‍હીથી તેના ગામ બલાલી જવા નિકળી હતી. દિલ્‍હીના ઈન્‍દિરા ગાંધી એરપોર્ટથી વિનેશના ઘરે પરત ફરવા માટે તેના ગામ બલાલી સુધી તેના સ્‍વાગતની તૈયારીઓ કરવામાં આવી હતી. ગામલોકો વિનેશને આવકારવા માટે ખૂબ જ ઉત્‍સાહિત છે. વિનેશના ભાઈ હરવિંદરે કહ્યું, વિનેશ દેશ પરત ફરી રહી છે. લોકો તેમનું સ્‍વાગત કરવા દિલ્‍હી એરપોર્ટ પર પહોંચ્‍યા હતા. અમારા ગામમાં પણ લોકો તેમનું સ્‍વાગત કરવા માટે રાહ જોઈ રહ્યા છે. લોકો વિનેશને મળવા અને તેને પ્રોત્‍સાહિત કરવા માટે ઉત્‍સાહિત છે.

(2:47 PM IST)