News of Friday, 23rd August 2024
નીરજ ચોપરાએ પેરીસ ઓલિમ્પીકનો પોતાનો રેકોર્ડ તોડયોઃ ડાયમંડ લીગમાં કરી કમાલ

લુસાને, તા.,૨૩ : ભારતના સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ પેરિસ ઓલિમ્પિક ૨૦૨૪માં ૮૯.૪૫ મીટરના થ્રો સાથે સિલ્વર મેડલ જીત્યો હતો. તેની ખૂબ પ્રશંસા થઈ. જોકે, થોડા દિવસ પછી જ નીરજ ચોપરાએ ઓલિમ્પિકમાં ફેંકેલા થ્રો કરતાં વધુ આગળ એક થ્રો ફેંકયો છે. તેમણે લુસાને ડાયમંડ લીગ ૨૦૨૪માં ૮૯.૪૯ મીટરનો થ્રો કર્યો અને બીજું સ્થાન મેળવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, આ નીરજ ચોપરાનો આ સિઝનનો સર્વશ્રેષ્ઠ થ્રો હતો. નીરજ ચોપરા ફરી એકવાર ૯૦ મીટરનો થ્રો ચૂકી ગયો હતો. જોકે આ સમયે તે સંપૂર્ણ રીતે ફિટ નથી. આ છતાં તેમણે આટલો શાનદાર થ્રો ફેંકયો. એવું લાગે છે કે નીરજ ચોપરા ટૂંક સમયમાં ૯૦ મીટરનો માઈલસ્ટોન હાંસલ કરશે.
નીરજ ચોપરાએ છઠ્ઠા એટલે કે છેલ્લા થ્રોમાં ૮૯.૪૯ મીટરનો થ્રો ફેંકયો હતો. તેના અગાઉના ૫ થ્રો એટલા સારા નહોતા. પરંતુ આ જેવલિન થ્રોઅરે છેલ્લા પ્રયાસમાં પોતાનું સર્વસ્વ આપી દીધું અને ૮૯.૪૯ મીટરનો થ્રો ફેંકયો. ગ્રેનાડાનો પીટર્સ એન્ડરસન ૯૦.૬૧ મીટરના થ્રો સાથે પ્રથમ ક્રમે રહ્યો હતો. આ સિવાય, નીરજ ચોપરા પછી, વેબર જુલિયન લુસાને ડાયમંડ લીગ ૨૦૨૪માં ત્રીજા સ્થાને રહ્યો, જેણે ૮૭.૦૮ મીટરના અંતરે જેવલિન થ્રો કર્યો હતો.
નીરજ ચોપરાએ ૮૨.૧૦ મીટરનો પ્રથમ થ્રો કર્યો હતો. આ પછી તેણે ૮૩.૨૧ મીટરનો બીજો થ્રો કર્યો. ત્રીજા પ્રયાસમાં નીરજનું જેવલિન ૮૩.૧૩ મીટર દૂર પડ્યું હતું. નીરજે ચોથામાં ૮૨.૩૪ મીટર અને પાંચમામાં ૮૫.૫૮ મીટરનો થ્રો કર્યો હતો. ૫મા પ્રયાસ બાદ તે ત્રીજા સ્થાને આવી ગયો હતો. પરંતુ તેનો શ્રેષ્ઠ થ્રો છઠ્ઠા રાઉન્ડમાં આવ્યો જ્યાં તેણે કમાલ કરીને સિઝન બેસ્ટ થ્રો કર્યો હતો. મહત્ત્વપૂર્ણ છે કે, નીરજ ચોપરા અત્યારે સંપૂર્ણ રીતે ફિટ નથી અને ટૂંક સમયમાં તેની સર્જરી થઈ શકે છે.
(3:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
