<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th August 2024

પાકિસ્તાનની જબ્બર બેઈજ્જતી : બાંગ્લાદશે ટેસ્ટ ઈતિહાસમાં પહેલીવાર હરાવ્યું : 448 રન બનાવીને પ્રથમ દાવ ડિકલેર કરવા છતાં પાકિસ્તાન ઘરઆંગણે હાર્યું

મુશ્ફિકુર રહીમના ઐતિહાસિક 196 રન : બે ટેસ્ટ મેચની શ્રેણીમાં બાંગ્લાદેશ 1-0 થી આગળ

રાવલપિંડી : બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે પોતાના દેશમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે ઈતિહાસ રચ્યો છે. નઝમુલ હસન શાંતોની કેપ્ટનશીપ હેઠળ બાંગ્લાદેશે પાકિસ્તાનને પ્રથમ વખત ટેસ્ટ મેચમાં હરાવ્યું છે. પહેલા શાનદાર બેટિંગ અને પછી ચમત્કારિક બોલિંગની મદદથી બાંગ્લાદેશે વિદેશી ધરતી પર માત્ર સાતમી ટેસ્ટ જીત નોંધાવી. અગાઉ બાંગ્લા ટાઈગર્સ માત્ર વેસ્ટ ઈન્ડિઝ, ઝિમ્બાબ્વે, શ્રીલંકા અને ન્યુઝીલેન્ડમાં જ ટેસ્ટ મેચ જીતી શક્યા છે. આજે જ્યારે મેચના અંતિમ દિવસે મેચ શરૂ થઈ ત્યારે તે ડ્રો તરફ જતી હોય તેવું લાગી રહ્યું હતું, પરંતુ મહેદી હસન મિરાજ અને શાકિબ-અલ-હસને અનુક્રમે ચાર અને ત્રણ વિકેટ લઈને પાકિસ્તાનની કમર તોડી નાખી હતી. ઘરઆંગણે રમાયેલી છેલ્લી નવ ટેસ્ટમાં પાકિસ્તાનની આ પાંચમી હાર છે . તમને જાણીને નવાઈ લાગશે કે આ સમયગાળા દરમિયાન પાકિસ્તાન એક પણ મેચ જીતી શક્યું નથી. છેલ્લી નવ મેચોમાંથી ચાર ડ્રોમાં સમાપ્ત થઈ છે જ્યારે પાકિસ્તાન પાંચમાં હારી ગયું છે. આ રીતે, બાંગ્લાદેશ હવે બે ટેસ્ટની શ્રેણીમાં 1-0ની અજેય સરસાઈ ધરાવે છે. બીજી અને છેલ્લી મેચ આ જ મેદાન પર 30 ઓગસ્ટથી રમાશે.

પાકિસ્તાને પોતાની પ્રથમ ઈનિંગ છ વિકેટે 448 રન પર ડિકલેર કરી હતી, તે મેચના છેલ્લા દિવસે તેની બીજી ઈનિંગમાં માત્ર 146 રનમાં સમેટાઈ ગઈ હતી. મોહમ્મદ રિઝવાન સિવાય કોઈ પણ બેટ્સમેને ક્રિઝ પર ટકી રહેવાની તસ્દી લીધી ન હતી. આ રીતે બાંગ્લાદેશને જીતવા માટે માત્ર 30 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જે તેણે એકપણ વિકેટ ગુમાવ્યા વિના સરળતાથી હાંસલ કરી લીધો હતો.

મુશ્ફિકુર રહીમે મેચની પ્રથમ ઇનિંગમાં 191 રનની શાનદાર ઇનિંગ રમી હતી. મેહદી હસન મિરાજ (77) સાથે સાતમી વિકેટ માટે 196 રનની રેકોર્ડ ભાગીદારી પણ કરી જેના કારણે બાંગ્લાદેશે મેચના ચોથા દિવસે તેનો પ્રથમ દાવ 565 રન પર સમાપ્ત કર્યો. રહીમે મહેદી સાથેની 196 રનની ભાગીદારી દરમિયાન પાકિસ્તાનના ચારેય ઝડપી બોલરોને ગરમ અને ભેજવાળી સ્થિતિમાં સખત મહેનત કરવાની ફરજ પાડી હતી. પાકિસ્તાન સામે કોઈપણ ટેસ્ટમાં સાતમી વિકેટ માટે આ સૌથી વધુ ભાગીદારી હતી. આ પહેલા આ રેકોર્ડ રિચર્ડ હેડલી અને વોરેન લીસના નામે હતો. ન્યૂઝીલેન્ડની આ જોડીએ 48 વર્ષ પહેલા (1976માં) પાકિસ્તાન સામે કરાચીમાં 186 રનની ભાગીદારી કરી હતી. મુશ્ફિકરે સાડા આઠ કલાકથી વધુની તેની મેરેથોન ઇનિંગ્સ દરમિયાન 341 બોલમાં એક છગ્ગો અને 22 ચોગ્ગા ફટકારીને બાંગ્લાદેશને પ્રથમ દાવમાં 117 રનની વિશાળ લીડ અપાવી હતી. ઘરની બહાર બાંગ્લાદેશનો આ ત્રીજો સૌથી મોટો સ્કોર પણ હતો.

 

(4:34 PM IST)