News of Monday, 26th August 2024
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપમાં રન બનાવવાના મામલે રૂટ પહેલા નંબરેઃ જયસ્વાલ બીજા સ્થાને
ઇંગ્લેન્ડના રૂટે સીઝનમાં કુલ ૧૧ર૭ રન બનાવ્યાઃ જયસ્વામલ ૧૦ર૮ રન સાથે એક ક્રમ નીચે

મુંબઈ : ભારતીય ક્રિકેટ ટીમ હાલ આરામ પર છે. અત્યારે કોઈ શ્રેણી રમાઈ રહી નથી. પણ હવે આ આરામનો સમય લાંબો બાકી રહ્યો નથી. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 19 સપ્ટેમ્બરથી ટેસ્ટ સિરીઝ શરૂ થશે, ત્યારે જ ભારતીય ખેલાડીઓ એક્શનમાં જોવા મળશે. આ દરમિયાન ભારતના સ્ટાર ખેલાડીઓમાંથી એક બની ગયેલા ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જયસ્વાલનો રેકોર્ડ તૂટી ગયો છે. જો કે જયસ્વાલ હજુ પણ બીજા સ્થાને છે.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ એટલે કે WTCની આ સિઝનમાં થોડા દિવસ પહેલા સુધી સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન ભારતના યશસ્વી જયસ્વાલ હતા. પરંતુ હવે તેઓ પાછળ પડી ગયા છે. આ મામલે ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન જો રૂટ નંબર વન પર છે. જો રૂટે 2023 થી 2025 સુધી ચાલનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં અત્યાર સુધી 14 મેચની 25 ઇનિંગ્સમાં 1127 રન બનાવ્યા છે. તેના નામે ત્રણ સદી અને 6 અડધી સદી છે. 1100થી વધુ રન બનાવનાર તે એકમાત્ર બેટ્સમેન છે.
હવે યશસ્વી જયસ્વાલ બીજા સ્થાને પહોંચી ગયા છે. જયસ્વાલે આ સિઝનમાં WTCમાં અત્યાર સુધી 9 મેચની 16 ઇનિંગ્સમાં 1028 રન બનાવ્યા છે. ખાસ વાત એ છે કે આ બંને સિવાય બીજો કોઈ બેટ્સમેન નથી જેણે 1000થી વધુ રન બનાવ્યા હોય. જયસ્વાલે આ સમયગાળા દરમિયાન 3 સદી અને 4 અડધી સદી ફટકારી છે. હવે જોવાનું એ રહેશે કે શું યશસ્વી જયસ્વાલ ટેસ્ટ માટે ફરીથી મેદાનમાં ઉતરશે ત્યારે જો રૂટને હરાવી શકશે કે કેમ.
(3:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
