તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Monday, 2nd September 2024
પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં ભારતના યોગેશ કથુનિયાએ ડિસ્કસ થ્રોમાં જીત્યો સિલ્વર મેડલ : બીજી વખત પેરાલિમ્પિકમાં કર્યું આ કારનામું
તે ડિસ્કસ થ્રોમાં બીજા સ્થાને રહ્યો અને તેણે તેના પ્રથમ પ્રયાસમાં જ કમાલ કરી બતાવ્યો

પેરિસ : ભારતના યોગેશ કથુનિયાએ સોમવારે પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં ડિસ્કસ થ્રો F56 ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો. તેણે 42.22 મીટર સાથે મેડલ જીત્યો હતો. આ તેનો સિઝનનો સર્વશ્રેષ્ઠ થ્રો હતો. યોગેશે પેરાલિમ્પિક્સમાં સતત બીજી વખત સિલ્વર જીતવાની સિદ્ધિ હાંસલ કરી છે. તેણે ટોક્યો પેરાલિમ્પિકમાં પણ સિલ્વર કબજે કર્યો હતો. પેરિસમાં ભારતના ખાતામાં હવે આઠ મેડલ છે.
હરિયાણાના રહેવાસી યોગેશે તેના પહેલા જ પ્રયાસમાં 42.22 મીટરનો થ્રો કર્યો હતો. આ પછી 27 વર્ષીય ભારતીય ખેલાડીએ 41.50 મીટર, 41.55 મીટર, 40.33 મીટર, 40.89 મીટર અને 39.68 મીટરના અંતરે ડિસ્કસ ફેંકી હતી. બ્રાઝિલના ક્લાઉડની બટિસ્ટા ડોસ સેન્ટોસે 46.86 મીટરના પેરાલિમ્પિક રેકોર્ડ થ્રો સાથે ડિસ્કસ થ્રોમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ગ્રીસના કોન્સ્ટેન્ટિનોસ ઝોઉનિસે 41.32 મીટર સાથે બ્રોન્ઝ મેળવ્યો હતો. F56 શ્રેણીમાં સ્પર્ધા કરતા ખેલાડીઓ બેઠક સ્થિતિમાં સ્પર્ધા કરે છે. આ શ્રેણીમાં એવા ખેલાડીઓ છે જેમની કરોડરજ્જુને નુકસાન થયું છે અને શરીરના નીચેના ભાગમાં અવ્યવસ્થા છે.
યોગેશને 9 વર્ષની ઉંમરે ગુઇલેન-બેરે સિન્ડ્રોમ હોવાનું નિદાન થયું હતું. તેણે ઈન્ડિયન આર્મી પબ્લિક સ્કૂલ, ચંદીગઢમાં અભ્યાસ કર્યો હતો, જ્યાં તેના પિતા ચંડીમંદિર છાવણીમાં સેનામાં ફરજ બજાવતા હતા. તેની માતાએ ફિઝિયોથેરાપી શીખી. તે પછી, 3 વર્ષમાં, યોગેશના સ્નાયુઓમાં ફરીથી ચાલવાની તાકાત વધી. તેમણે દિલ્હીની કિરોરી માલ કોલેજમાંથી કોમર્સમાં સ્નાતકની ડિગ્રી મેળવી.
યોગેશે 2016થી પેરા સ્પોર્ટ્સમાં પોતાનું નસીબ અજમાવવાનું શરૂ કર્યું હતું. તે કિરોરી માલ કોલેજના વિદ્યાર્થી સંઘના જનરલ સેક્રેટરી સચિન યાદવથી પ્રેરિત થયો હતો, તેણે તેને પેરા-એથ્લેટ્સના વીડિયો બતાવીને પ્રેરિત કર્યા હતા. તે પછી યોગેશે પાછું વળીને જોયું નથી. તેણે પેરાલિમ્પિક્સ 2020, વર્લ્ડ ચેમ્પિયનશિપ 2023 અને એશિયન પેરા ગેમ્સ 2022 જેવી મોટી ટુર્નામેન્ટમાં મેડલ જીતીને કાયમી છાપ છોડી. યોગેશને અર્જુન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.
(7:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
