<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th September 2024

ચેમ્‍પિયન બનેલા ઈરાની ખેલાડીના અયોગ્‍ય વર્તનને લીધે ભારતના નવદીપ સિંહનો સિલ્‍વર મેડલ સોનાનો થઈ ગયોઃ ઇન્‍કમ ટેક્‍સ ઓફિસર છે આ જેવલિન થ્રોઅર

નવદીપના પિતા રાષ્‍ટ્રીય લેવલે કુસ્‍તીબાજ હતા, પુત્રને રમત ગમત ક્ષેત્રે આગળ વધારવા પુરો ટેકો આપ્‍યો હતો અમને પણ સમાન દરજ્‍જો મળવો જોઇએ. મે પણ દેશને ગૌરવ અપાવ્‍યું છે. મારો ઉદ્દેશ્‍ય સમાજને શિક્ષિણ કરવાનો છે. કોઇએ અમારી મજાક ન કરવી જોઇએ, જે ઘણી વાર થાય છેઃ નવદીપ સિંહ

 

 

નવી દિલ્‍હીઃ ભારતના નવદીપ સિંહે પેરિસ પેરાલિમ્‍પિક્‍સમાં પુરુષોની જેવલિન થ્રો જ્‍૪૧ કેટેગરીમાં ૪૭.૩૨ મીટરના વ્‍યક્‍તિગત શ્રેષ્ઠ થ્રો સાથે ગોલ્‍ડ જીત્‍યો હતો, જે આ કેટેગરીમાં ભારતનો પ્રથમ મેડલ પણ હતો. F41 સ્‍પોર્ટ્‍સ કેટેગરીમાં ટૂંકી હાઇટ ધરાવતા રમતવીરો સ્‍પર્ધા કરે છે. નવદીપ ટોક્‍યો ૨૦૨૦ પેરાલિમ્‍પિક્‍સમાં ચોથા સ્‍થાને રહ્યો અને પોડિયમ ચૂકી ગયો હતો.

ફાઇનલ સમાપ્ત થાય એ પહેલાં ઈરાનના ખેલાડીએ ૪૭.૬૪ મીટરના થ્રો સાથે ગોલ્‍ડ મેડલ પર કબજો કરી લીધો હતો અને નવદીપ સિંહ સિલ્‍વર મેડલ માટે મુખ્‍ય દાવેદાર બન્‍યો હતો, પણ ફાઇનલ દરમ્‍યાન વારંવાર આતંકી સંગઠનનો વિવાદિત ધ્‍વજ લહેરાવવાને કારણે ઈરાનના ખેલાડીને ગેરલાયક ઠેરવવામાં આવ્‍યો હતો. તેણે પોતાના આ કૃત્‍યને કારણે ગોલ્‍ડ મેડલ ગુમાવ્‍યો હતો. નિયમો અનુસાર કોઈ પણ રાજકીય સંદેશ આપતા ધ્‍વજ ફરકાવવા અને અયોગ્‍ય વર્તન કરવા બદલ ખેલાડીને રમતમાંથી બાકાત રાખવામાં આવી શકે છે.

નવદીપનો જન્‍મ વર્ષ ૨૦૦૦માં સમય પહેલાં જ થયો હતો. જયારે તે બે વર્ષનો થયો ત્‍યારે તેનાં માતા-પિતાને ખ્‍યાલ આવ્‍યો કે તેમના દીકરાની હાઇટ ઓછી જ રહેશે. તેના પિતા દલબીર સિંહ રાષ્ટ્રીય સ્‍તરના કુસ્‍તીબાજ હતા અને તેમના પુત્રને રમતગમતને આગળ વધારવા માટે સંપૂર્ણ ટેકો આપ્‍યો હતો. દસ વર્ષની ઉંમરે તેણે તેની એથ્‍લેટિક સફર શરૂ કરી હતી. નીરજ ચોપડાથી પ્રેરિત થઈને ભાલાફેંકમાં ઓળખ મેળવતાં પહેલાં તેણે કુસ્‍તી અને દોડમાં હાથ અજમાવ્‍યો હતો.

આવકવેરા વિભાગમાં નિરીક્ષકની નોકરી કરતા ૨૩ વર્ષના નવદીપે ૨૦૧૭ બાદ રાષ્ટ્રીય સ્‍તરે પાંચ વખત મેડલ જીત્‍યા છે. તેણે આ વર્ષની શરૂઆતમાં પેરા-વર્લ્‍ડ ચેમ્‍પિયનશિપમાં બ્રોન્‍ઝ મેડલ જીત્‍યો હતો. ચાર ફુટ ચાર ઇંચના નવદીપ સિંહના પિતાનું ચાર મહિના પહેલાં બીમારીને કારણે નિધન થયું હતું. તેની માતા અને ભાઈએ તેને પેરાલિમ્‍પિક્‍સમાં રમવા માટે હિંમત આપી હતી.

(2:05 PM IST)