<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th September 2024

બ્રોન્‍ઝ જીતેલી સિમરન શર્મા પૂરેપુરૂ જોઇ નથી શકતી, જીવનની શરૂઆતના છ મહિના ઇન્‍ક્‍યુબેટરમાં પસાર કર્યા હતા

૨૦૧૯માં વર્લ્‍ડ ચેમ્‍પિયન બનીને ઘરે પાછી ફરી ત્‍યારે બીમારીને કારણે પિતાને ગુમાવી દીધા હતાઃ દિલ્‍હીમાં જે કોચે ટ્રેઇનિંગ આપી તેની સાથે જ ૨૦૨૩માં કર્યાં હતાં લગ્ન

નવી દિલ્‍હી,તા. ૯: ઉત્તરપ્રદેશની સિમરન શર્માએ પેરાલિમ્‍પિક્‍સમાં મહિલાઓની ૨૦૦ મીટર T12 ફાઇનલમાં ૨૪.૭૫ સેકન્‍ડના વ્‍યક્‍તિગત શ્રેષ્ઠ ટાઇમિંગ સાથે બ્રોન્‍ઝ મેડલ જીત્‍યો હતો. વ્‍૧૨ કેટેગરી ક્ષતિગ્રસ્‍ટ ᅠદૃષ્ટિ ધરાવતા દોડવીરો માટે છે એટલે રમતવીરો ટ્રેક પર માર્ગદર્શક સાથે દોડે છે. તે અગાઉ ૧૦૦ મીટર સ્‍પર્ધામાં ચોથા સ્‍થાને રહીને પહેલો પેરાલિમ્‍પિક્‍સ મેડલ ચૂકી ગઈ હતી.

ચોવીસ વર્ષની સિમરન શર્માનો જન્‍મ સાડાછ મહિનાની મુદતમાં થયો હતો જેને કારણે તેણે ઇન્‍ક્‍યુબેટરમાં છ મહિના ગાળ્‍યા, જયાં તેને દૃષ્ટિની ક્ષતિ હોવાનું જાણવા મળ્‍યું. તેના પિતાના પ્રોત્‍સાહનને કારણે તેણે દિલ્‍હીમાં ટ્રેઇનિંગ શરૂ કરી હતી. ૨૦૧૯માં જપાનમાં વર્લ્‍ડ ચેમ્‍પિયનશિપ જીત્‍યા બાદ જયારે તે ઘરે પરત ફરી ત્‍યારે લાંબી બીમારીને કારણે તેણે પોતાના પિતાને ગુમાવી દીધા હતા. ૨૦૨૩માં તેણે તેના કોચ ગજેન્‍દ્ર સિંહ સાથે લગ્ન કર્યાં હતાં જે આર્મી સર્વિસ કોર્પ્‍સ માટે કામ કરે છે.

સિમરને તેના દુઃખને પ્રેરણામાં પરિવર્તિત કર્યું અને ઘણી અદભુત સિદ્ધિઓ હાંસલ કરી. તે ૨૦૨૨થી નેશનલ અને ઇન્‍ટરનેશનલ સ્‍પર્ધાઓમાં સારું પ્રદર્શન કરી રહી છે. તેણે નેશનલ ચેમ્‍પિયનશિપ અને ઇન્‍ડિયન ઓપનમાં ૧૦૦ મીટર અને ૨૦૦ મીટર ઇવેન્‍ટ્‍સમાં સફળતાનો સ્‍વાદ ચાખ્‍યો છે. ગયા વર્ષે એશિયન પેરા ગેમ્‍સમાં બે સિલ્‍વર મેડલ પણ જીત્‍યા હતા અને ગયા ડિસેમ્‍બરમાં ખેલો ઇન્‍ડિયા પેરા ગેમ્‍સમાં ૧૦૦ મીટર, ૨૦૦ મીટર અને લાંબી કૂદની ચેમ્‍પિયન બની હતી.

(3:15 PM IST)