News of Tuesday, 17th September 2024
મહિલા ક્રિકેટ માટે ICCનો મોટો નિર્ણય, વર્લ્ડકપમાં પુરૂષો જેટલું જ ઈનામ મળશે
ICC મહિલા T20 વર્લ્ડ કપ 2024માં પ્રથમ વખત મહિલા અને પુરૂષ ખેલાડીઓને સમાન ઈનામી રકમ મળશે: મહિલા ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે નિર્ણય લેવાયો: ટુર્નામેન્ટમાં વિજેતા ટીમને $2.34 મિલિયન (રૂ. 19.5 કરોડ)નું ઇનામ અપાઈ છે

મુંબઈ : ICC મહિલા T20 વર્લ્ડ કપ 2024 એ પહેલો વર્લ્ડ કપ હશે જેમાં મહિલાઓને પુરૂષોની જેમ સમાન પુરસ્કારો મળશે. ICCએ મહિલા ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે ઐતિહાસિક નિર્ણય લીધો છે. હવે વર્લ્ડ કપમાં મહિલા ખેલાડીઓને પુરૂષ ખેલાડીઓ જેટલું જ ઈનામ આપવામાં આવશે. જુલાઈ 2023 માં આયોજિત ICC વાર્ષિક સંમેલનમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ICC બોર્ડે નિર્ધારિત સમય કરતાં સાત વર્ષ અગાઉ ઈનામી રકમની સમાનતા કરવાના લક્ષ્યને હાંસલ કરવાનો નિર્ણય કર્યો. આ લક્ષ્ય 2030 માટે નક્કી કરવામાં આવ્યું હતું.
ICC મહિલા T20 વર્લ્ડ કપ 2024 સંયુક્ત આરબ અમીરાત (UAE) માં યોજાશે. આ ટુર્નામેન્ટમાં વિજેતાઓને 2.34 મિલિયન ડોલર (19.5 કરોડ રૂપિયા)નું ઇનામ આપવામાં આવશે. આ 2023માં ઓસ્ટ્રેલિયા દ્વારા જીતેલા $1 મિલિયન (રૂ. 8.3 કરોડ) કરતાં 134 ટકા વધુ છે. રનર્સ અપને $1.17 મિલિયન (રૂ. 14.2 કરોડ) મળશે. જે ગયા વર્ષે આપવામાં આવેલા $5 લાખ (રૂ. 4.1 કરોડ) કરતાં 134 ટકા વધુ છે
હારનાર સેમી ફાઇનલિસ્ટ દરેકને $675,000 (રૂ. 5.6 કરોડ) મળશે. 2023માં $210,000 (રૂ. 1.7 કરોડ) કરતાં વધુ. ટુર્નામેન્ટની કુલ ઈનામી રકમ $7,958,080 (રૂ. 66.6 કરોડ) હશે. જે ગયા વર્ષની $2.45 મિલિયન (રૂ. 20.5 કરોડ)ની રકમ કરતાં 225 ટકા વધુ છે.
ICCએ મહિલા ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે અનેક પહેલ કરી છે. ICCની રણનીતિ 2032 સુધીમાં મહિલા ક્રિકેટને પ્રોત્સાહન આપવાની છે. આ ક્રમમાં હવે મહિલા અને પુરૂષ ટીમો માટે સમાન ટુર્નામેન્ટ માટે સમાન પુરસ્કાર આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
દરેક ગ્રુપ સ્ટેજની જીત માટે ટીમોને $31,154 (રૂ. 26 લાખ) મળશે. જે છ ટીમો સેમિફાઇનલમાં પહોંચી ન હતી તે તેમની અંતિમ સ્થિતિના આધારે $1.35 મિલિયન (રૂ. 11.3 કરોડ)નો પૂલ શેર કરશે. દરેક જૂથમાં ત્રીજા અને ચોથા સ્થાને આવનારી ટીમોને $270,000 (રૂ. 2.2 કરોડ) મળશે. પાંચમા સ્થાને રહેલી ટીમને $135,000 (રૂ. 1.1 કરોડ) મળશે. તમામ ભાગ લેનાર ટીમોને ઓછામાં ઓછા $112,500 (રૂ. 94 લાખ) આપવામાં આવશે.
(9:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
