<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th September 2024

બિહારના 13 વર્ષના લાલની અદભુત કમાલ :ઓસ્ટ્રેલિયાના બોલરોના ઉડાવ્યા હોશ

ભારતીય અંડર-19 ટીમ વતી બિહારના 13 વર્ષીય ખેલાડી વૈભવ સૂર્યવંશીએ ઓસ્ટ્રેલિયા અંડર-19 સામે પ્રથમ દિવસની રમતના અંત સુધીમાં અડધી સદી ફટકારી

ઓસ્ટ્રેલિયાની અંડર 19 ક્રિકેટ ટીમ હાલમાં ભારતના પ્રવાસે છે, જ્યાં 3 મેચની ODI શ્રેણી બાદ ભારતીય ટીમ હવે 2 ટેસ્ટ મેચની શ્રેણી રમી રહી છે. ભારતીય ટીમે 3 મેચની વનડે શ્રેણી 3-0થી જીતી લીધી હતી. હવે પ્રથમ ટેસ્ટ મેચમાં પણ ભારતનો હાથ ઉપર હોય તેવું લાગી રહ્યું છે. બિહારના વૈભવ સૂર્યવંશીએ ભારતીય ટીમ તરફથી રમતી વખતે અજાયબીઓ કરી બતાવી હતી. તેણે ઓસ્ટ્રેલિયાના બોલરો સામે શાનદાર પ્રદર્શન કર્યું અને અડધી સદી પણ ફટકારી હતી

    ચેન્નાઈમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં વૈભવ સૂર્યવંશીએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. પ્રથમ દિવસની રમત સમાપ્ત થયા બાદ વૈભવ 47 બોલમાં 81 રનની ઇનિંગ રમીને ભારત માટે ઓપનર તરીકે અણનમ રહ્યો છે. આ દરમિયાન વૈભવે ટી-20 સ્ટાઈલમાં બોલરોની કસોટી કરી હતી. તેણે 13 ચોગ્ગા અને 2 છગ્ગા પોતાના નામે કર્યા. વૈભવે કાંગારૂઓ સામે 172.34ના સ્ટ્રાઈક રેટ સાથે બેટિંગ કરી હતી. ભારતીય ટીમને આ મેચમાં વૈભવ પાસેથી સદીની અપેક્ષા છે.

    પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયા અંડર 19એ 71.4 ઓવરમાં 293 રન બનાવ્યા હતા. ઓપનર રિલે કિંગ્સેલે 77 બોલમાં 53 રનની ઇનિંગ રમી હતી. આ સિવાય ક્રિશ્ચિયન હોવે 89 બોલમાં 48 રન બનાવ્યા હતા. ભારત તરફથી સમર્થ નાગરાજે 13.4 ઓવરમાં 49 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. આ સિવાય મોહમ્મદ અનાને પણ 3 વિકેટ પોતાના નામે કરી હતી. પ્રથમ દિવસની રમતના અંત સુધીમાં ભારતે 14 ઓવરમાં 103/0નો સ્કોર બનાવ્યો હતો. 

   વૈભવ સૂર્યવંશીએ 2023-24 રણજી ટ્રોફીમાં બિહાર માટે ડેબ્યૂ કરીને ઘણી હેડલાઈન્સ બનાવી હતી. તેણે મુંબઈ સામે ડેબ્યુ કર્યું હતું. આ દરમિયાન મુંબઈના કેપ્ટન અજિંક્ય રહાણેએ પણ વૈભવના ખૂબ વખાણ કર્યા હતા. આ પછી તેણે છત્તીસગઢ સામે રણજી મેચ પણ રમી હતી. જોકે, તે બંને ઇનિંગ્સમાં પોતાનું ખાતું ખોલાવી શક્યો નહોતો. વૈભવે અત્યાર સુધી રમાયેલી 2 રણજી મેચમાં 31 રન બનાવ્યા હતા.

(9:37 PM IST)