<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th October 2024

છેલ્લી ઓવરમાં ધબડકોઃ ૫ વિકેટ હતી છતાં ૬ બોલમાં ૧૪ રન ન કરી શકી ટીમ ઇન્‍ડિયા

૧૫૨ રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ ૯ વિકેટે ૧૪૨ રન જ બનાવી શકીઃ ઓસ્‍ટ્રેલીયા સેમીફાઇનલમાં: ભારત માટે કપરા ચઢાણ

નવી દિલ્‍હી,તા.૧૪: ભારતને ઓસ્‍ટ્રેલિયા વિરુદ્ધ ભૂંડી હાર મળી છે. ટીમ ઈંડિયા ૬ બોલ પર ૧૪ રન બનાવી શકી નહીં, જયારે તેની ૫ વિકેટ પણ પડી હતી. કપ્તાન હરમનપ્રીત કૌર પણ અડધી સદી ફટકારીને એક છેડે ઊભી હતી. જયારે બીજા છેડે ભારતે છેલ્લી ઓવરમાં ૪ વિકેટ ખોઈ દીધી. ઓસ્‍ટ્રેલિયાએ મહિલા ટી૨૦ વિશ્વ કપની છેલ્લી લીગની આ મેચમાં ૯ રને જીતીને શાનથી સેમીફાઈનલમાં એન્‍ટ્રી કરી છે. તો વળી ભારતને હવે સેમીફાઈનલમાં પહોંચવા માટે હવે સોમવારે પાકિસ્‍તાન વિરુદ્ધ ન્‍યૂઝીલેન્‍ડની વચ્‍ચે રમાનારી મેચના રિઝલ્‍ટ પર નિર્ભર રહેવું પડશે.

૧૫૨ રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ ૯ વિકેટે ૧૪૨ રન જ બનાવી શકી હતી. તેને પહેલો ફટકો ૨૬ના સ્‍કોર પર લાગ્‍યો હતો. ઓપનર શેફાલી વર્માને એશ્‍લે ગાર્ડનરે ૨૦ના સ્‍કોર પર પેવેલિયન મોકલી હતી. આ પછી સ્‍મૃતિ મંધાના પણ ૩૯ના સ્‍કોર પર પેવેલિયન પરત ફરી હતી. મંધાનાએ ૬ રન બનાવ્‍યા હતા. ભારતે ૪૭ના સ્‍કોર પર જેમિમાહ રોડ્રિગ્‍સની વિકેટ ગુમાવી હતી. જેમિમા ૧૬ રન બનાવીને પેવેલિયન પરત ફરી હતી. દીપ્તિ શર્માએ હરમનપ્રીત કૌર સાથે મળીને ઈનિંગ્‍સને સંભાળી હતી અને બંને બેટ્‍સમેનોએ સ્‍કોર ૧૧૦ સુધી પહોંચાડ્‍યો હતો. દીપ્તિ ૨૯ રન બનાવીને આઉટ થઈ ગઈ હતી, જયારે રિચા ઘોષ એક રન બનાવીને રનઆઉટ થઈ હતી. કેપ્‍ટન હરમનપ્રીત કૌરે સૌથી વધુ ૫૪ રન બનાવ્‍યા હતાં.

ઓસ્‍ટ્રેલિયાએ ૮ વિકેટે ૧૫૧ રન બનાવ્‍યા હતા આ પહેલા શારજાહમાં રમાયેલી ગ્રુપ Aની મેચમાં પ્રથમ બેટિંગ કરતા ઓસ્‍ટ્રેલિયાએ ૮ વિકેટે ૧૫૧ રન બનાવ્‍યા હતા. ઓસ્‍ટ્રેલિયા માટે, પાંચ ખેલાડીઓ ડબલ ફિગર સુધી પહોંચ્‍યા, જેમાં ઓપનર ગ્રેસ હેરિસ ૪૦ રન સાથે ટોપ સ્‍કોરર રહી. એક્‍ટિંગ કેપ્‍ટન તાહલિયા મેકગ્રા અને એલિસ પેરીએ ૩૨-૩૨ રન બનાવ્‍યા હતા. ભારત તરફથી રેણુકા સિંહ અને દીપ્તિ શર્માએ બે-બે વિકેટ લીધી હતી, જયારે પૂજા વષાાકર, શ્રેયંકા પાટિલ અને રાધા યાદવે એક-એક વિકેટ લીધી હતી

(4:55 PM IST)