<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 20th October 2024

બેંગલુરુ મેચમાં હારથી ભારત ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલની રેસમાંથી બહાર થશે? સમજો ગણિત

બેંગલુરુ ટેસ્ટના પરિણામથી પહેલા ભારતીય ટીમના 74.24 ટકા અંક હતા. જ્યારે હાર પછી 68.06 ટકા અંક થઈ ગયા

 

મુંબઈ :રોહિત શર્માની કેપ્ટનશિપવાળી ભારતીય ટીમ હાલ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 3 મેચની ટેસ્ટ સીરીઝ રમી રહી છે. જેનો પહેલો મુકાબલો બેંગલુરુમાં 16 ઓક્ટોબરથી રમાયો, જેના પાંચમા દિવસે ભારતીય ટીમને 8 વિકેટથી હાર મળી છે. આ હારની અસર ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ્સ ટેબલમાં ટોપ પર રહેલી ભારતીય ટીમ પર વધુ નહીં પડે.

બેંગલુરુ ટેસ્ટ જીતની સાથે જ કીવી ટીમે સીરીઝમાં 1-0થી લીડ મેળવી છે. બેંગલુરુ ટેસ્ટ મેચની પહેલી ઈનિંગમાં ટીમ ઈન્ડિયા 46 રનમાં જ સમેટાઈ ગઈ હતી. જે બાદ કીવી ટીમે 402 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. ભારતીય ટીમે બીજી ઈનિંગમાં સારી બેટિંગ કરતા 462 રન બનાવ્યા હતા. જેના કારણે ભારતે ન્યૂઝીલેન્ડને 107 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં કીવી ટીમે 2 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી.

સીરીઝની પહેલી ટેસ્ટમાં હાર્યા બાદ ફેન્સના મનમાં એ સવાલ જરુરથી થાય કે WTC પોઈન્ટ્સ ટેબલમાં ટોપ પર રહેલી ભારતીય ટીમનું શું અસર પડશે? શું ભારત ફાઈનલની રેસમાંથી બહાર થઈ જશે? જેના જવાબમાં જણાવી દઈએ કે ભારતીય ટીમ પર વધુ અસર નહીં પડે.

જો કે ભારતીય ટીમને ફાઈનલમાં પહોંચવા માટે થોડી મુશ્કેલી પડી શકે છે. WTC પોઈન્ટ્સમાં બેંગલુરુ ટેસ્ટના પરિણામથી પહેલા ભારતીય ટીમના 74.24 ટકા અંક હતા. જ્યારે હાર પછી 68.06 ટકા અંક થઈ ગયા છે. જો કે ટીમ હજુ પણ ટોપ પર યથાવત છે. 62.50 જીત ટકાવારી સાથે બીજા સ્થાને ઓસ્ટ્રેલિયા છે.

હવે ભારતીય ટીમને બેંગલુરુ ટેસ્ટ પછી આ WTC સીઝન 2023-25માં વધુ 7 મેચ રમવાની છે. એવામાં બેંગલુરુ ટેસ્ટ હાર્યા બાદ ભારતીય ટીમને પોતાની બાકીની 7 મેચમાંથી ઓછામાં ઓછી 3 મેચ જીતવી પડશે. જો 4 મેચ જીતે છે, તો જગ્યા લગભગ નિશ્ચિત બનશે. 3 ટેસ્ટ જીત્યા બાદ સ્થિતિમાં ભારતને અન્ય કોઈ ટીમની જીત કે હાર પર નિર્ભર રહેવું પડી શકે છે.

ભારતીય ટીમને પહેલા પોતાની 7 મેચ ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમવાની છે. જેમાં કીવી ટીમ વિરુદ્ધ હાલની સીરીઝની બાકીની મેચ એટલે કે છેલ્લી 2 મેચ રમવાની છે. જ્યારે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટીમ 5 ટેસ્ટ મેચની સીરીઝ તેમના ઘર આંગણે રમશે.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં આ ત્રીજો રાઉન્ડ છે, જે 2023થી 2025 સુધી ચાલશે. આ ત્રીજા રાઉન્ડ માટે ICC પોઈન્ટ્સ સિસ્ટમ સાથેના નિયમો પહેલા જ રિલીઝ થઈ ગયા છે. ટેસ્ટ મેચ જીતવા પર ટીમને 12 પોઈન્ટ, મેચ ડ્રો થવા પર 4 પોઈન્ટ અને મુકાબલો ટાઈ થાય તો 6 પોઈન્ટ મળે છે.

તો મેચ જીતવા પર 100 ટકા, ટાઈ થવા પર 50 ટકા, ડ્રો થવા પર 33.33 ટકા અને હાર પર શૂન્ય ટકા પોઈન્ટ ઉમેરવામાં આવ છે. કોઈ બે મેચની સીરીઝમાં કુલ 24 પોઈન્ટ અને પાંચ મેચની સીરીઝમાં 60 પોઈન્ટ ઉપલબ્ધ થશે

WTC પોઈન્ટ્સ સિસ્ટમ

જીત પર 12 પોઈન્ટ ,મેચ ટાઈ થાય તો 6 પોઈન્ટ,મેચ ડ્રો થાય તો 4 પોઈન્ટ, ટીમે જીતેલા પોઈન્ટ્સના પર્સન્ટેજના આધારે રેન્ક આપવામાં આવે છે.,ટોપ બે ટીમ 2025માં લોર્ડસમાં ફાઈનલ રમશે. સ્લોઓવર રેટ થવા પર પોઈન્ટમાં ઘટાડો થાય છે.

(11:31 PM IST)