તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 23rd October 2024
27 છગ્ગા અને 344 રન.. ટી 20 ક્રિકેટમાં ઝિમ્બાબ્વેએ બનાવ્યો મોટો વર્લ્ડ રેકોર્ડ : સિકંદર રઝાએ માત્ર 33 બોલમાં સદી ફટકારી
બ્રાયન બેનેટ (50) અને ટી મારુમણી (62)એ પ્રથમ વિકેટ માટે 5.4 ઓવરમાં 98 રનની ભાગીદારી કરી રઝાએ ગામ્બિયા સામે 43 બોલમાં 133 રનની અણનમ ઇનિંગ રમી : ઝિમ્બાબ્વેએ 20 ઓવરમાં ચાર વિકેટના નુકસાને 344 રન ઝૂડ્યા

મુંબઈ :ICC મેન્સ T20 વર્લ્ડ કપ સબ રિજનલ આફ્રિકા ક્વોલિફાયર, 2024ની એક મેચમાં ઝિમ્બાબ્વેએ T20Iમાં સૌથી હાઈએસ્ટ સ્કોર બનાવીને ઇતિહાસ રચ્યો છે. ગામ્બિયા સામે પ્રથમ બેટિંગ કરતા ઝિમ્બાબ્વેએ 20 ઓવરમાં ચાર વિકેટના નુકસાને 344 રન બનાવી નેપાળ અને ભારતને પાછળ છોડી દીધા છે. અગાઉ T20Iમાં નેપાળે મંગોલિયા સામે 314 રન બનાવ્યા હતા.
નૈરોબીના રુઆરકા સ્પોર્ટ્સ ક્લબ ગ્રાઉન્ડ ખાતે ઝિમ્બાબ્વેએ ટોસ જીતીને ગામ્બિયા સામે બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જ્યારે બ્રાયન બેનેટ (50) અને ટી મારુમણી (62)એ પ્રથમ વિકેટ માટે 5.4 ઓવરમાં 98 રનની ભાગીદારી કરી ત્યારે કોણ જાણતું હતું કે આજે T20 ક્રિકેટમાં નવો ઈતિહાસ લખાવા જઈ રહ્યો છે. બે વિકેટ પડ્યા બાદ બેટિંગ કરવા આવેલા કેપ્ટન સિકંદર રઝાએ બધાને ચોંકાવી દીધા હતા અને તોફાની ઇનિંગ રમી હતી.
સિકંદર રઝાએ માત્ર 33 બોલમાં સદી ફટકારીને પોતાના ઈરાદા સ્પષ્ટ કરી દીધા કે આજે તેની ટીમ એક નવો ઈતિહાસ રચવા જઈ રહી છે. તમને જણાવી દઈએ કે સિકંદર રઝા T20Iમાં સૌથી ઝડપી સદી ફટકારનાર સંયુક્ત બીજો બેટ્સમેન બની ગયો છે. કેપ્ટન રઝાએ નામિબિયાના જ્હોન નિકોલ લોફ્ટી ઈટન સાથે બરાબરી કરી છે. ઈટને નેપાળ સામે 33 બોલમાં સદી ફટકારી હતી. રઝાએ ગામ્બિયા સામે 43 બોલમાં 133 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ દરમિયાન 7 ચોગ્ગા અને 15 છગ્ગા ફટકાર્યા હતા. આટલું જ નહીં ક્લાઈવ મડાંડેએ 17 બોલમાં 53 રનની અણનમ ઈનિંગ રમી હતી.
T20Iમાં સૌથી ઝડપી સદી ફટકારનાર ખેલાડીઓમાં સાહિલ ચૌહાણ, એસ્ટોનિયા વર્સિસ સાયપ્રસ – 27 બોલ,જ્હોન નિકોલ લોફ્ટી ઈટન, નામિબિયા વર્સિસ નેપાળ - 33 બોલ ,સિકંદર રઝા, ઝિમ્બાબ્વે વર્સિસ ગામ્બિયા, 33 બોલ, કુશલ મલ્લા, નેપાળ વર્સિસ મંગોલિયા, 34 બોલ. ડેવિડ મિલર, સાઉથ આફ્રિકા વર્સિસ બાંગ્લાદેશ, 35 બોલ, રોહિત શર્મા, ભારત વર્સિસ શ્રીલંકા, 35 બોલ
ઝિમ્બાબ્વેના બેટ્સમેનોની તોફાની બેટિંગના કારણે ટીમે T20Iમાં સૌથી વધુ સ્કોર બનાવ્યો. ઝિમ્બાબ્વેએ નેપાળના 314 રનનો સ્કોર વટાવીને 344 રન બનાવ્યા હતા. આ સાથે જ T20Iમાં સૌથી વધુ સ્કોર કરનારી ટીમોની યાદીમાં ભારત ત્રીજા સ્થાને સરકી ગયું છે. હૈદરાબાદમાં બાંગ્લાદેશ સામેની છેલ્લી T20I મેચમાં ટીમ ઈન્ડિયાએ 297 રન બનાવ્યા હતા. ચોથા નંબરે ફરી એકવાર ઝિમ્બાબ્વેનું નામ નોંધાયેલું છે, તેમણે નૈરોબી સામે 286 રન બનાવ્યા હતા.
T20Iમાં સૌથી વધુ સ્કોર કરનારી ટીમ :ઝિમ્બાબ્વે - 344 વર્સિસ ગામ્બિયા - 2024,નેપાળ- 314 વર્સિસ મંગોલિયા-2023,ભારત-297 વર્સિસ બાંગ્લાદેશ- 2024,ઝિમ્બાબ્વે- 286 વર્સિસ નાઈરોબી - 2024.અફઘાનિસ્તાન- 278 વર્સિસ આયરલેન્ડ - 2019
ગામ્બિયાના બોલર મૂસા જોહરતેહના નામે એક શરમજનક રેકોર્ડ નોંધાયો છે. મૂસાએ T20Iનો સૌથી મોંઘો સ્પેલ નાખ્યો. મૂસાએ એકપણ વિકેટ લીધા વિના ચાર ઓવરમાં 93 રન આપ્યા હતા. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ગામ્બિયાની ટીમ 14.4 ઓવરમાં 54 રનમાં જ ધરાસાયી થઈ ગઈ હતી. ઝિમ્બાબ્વે 290 રનથી જીત્યું.
(9:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
