<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 2nd November 2024

અશ્વિન-જાડેજાએ ભારતની મુઠ્ઠીમાં કરાવ્યો મેચ :બીજા દિવસે કુલ 15 વિકેટ પડી; 'કિવી'ની હાલત ખરાબ બની

રવિન્દ્ર જાડેજા અને આર અશ્વિન ભારતને બીજા દિવસે મેચમાં વાપસી કરાવી :ન્યુઝીલેન્ડની ટીમે બીજા દિવસની રમતના અંતે 171/9 રન બનાવ્યા

મુંબઈની ગરમી અને મનમાં માત્ર એક જ મિશન... વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવા માટે આપણે કોઈપણ ભોગે આ ત્રીજી ટેસ્ટ મેચ જીતવી પડશે. રોહિત શર્માની પલટણે પણ આવી જ યોજના બનાવી હશે.

   પરંતુ, ન્યુઝીલેન્ડ સામે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટના બીજા દિવસે ભારતીય ટીમ પ્રથમ દાવમાં 263 રનમાં સમેટાઈ ગઈ હતી. ટીમ ઈન્ડિયા માટે માત્ર શુભમન ગિલ અને ઋષભ પંતનું બેટ ગર્જ્યું હતું. 

   ગિલે 90 રનની ઇનિંગ રમી હતી જ્યારે પંતે 60 રન બનાવ્યા હતા. કિવી ટીમ માટે એજાઝ પટેલે પાંચ વિકેટ લઈને ભારતના બેટિંગ ઓર્ડરને ધ્વસ્ત કરી નાખ્યો હતો. આ પછી રવિન્દ્ર જાડેજા અને આર અશ્વિન ભારતને મેચમાં પરત લાવ્યા હતા અને બીજા દિવસની રમતના અંત સુધીમાં ન્યુઝીલેન્ડની ટીમે 171/9નો સ્કોર કર્યો હતો. ન્યુઝીલેન્ડે ભારત પર 143 રનની લીડ મેળવી લીધી છે. 

    વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ન્યૂઝીલેન્ડની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા કિવી ટીમ પ્રથમ દિવસની રમતમાં 235 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં ભારતે પ્રથમ દિવસની રમત સુધી 4 વિકેટ ગુમાવીને 86 રન બનાવ્યા હતા.

   બીજા દિવસે એટલે કે 2 નવેમ્બરે ભારતે આ દાવ ચાલુ રાખ્યો અને 59.4 ઓવરમાં 263 રન બનાવ્યા. ટીમ ઈન્ડિયા માટે શુભમન ગિલે 146 બોલમાં 90 રનની ઈનિંગ રમી જેમાં 7 ફોર અને 1 સિક્સ સામેલ હતી. વિરાટ કોહલી માત્ર 4 રન બનાવીને રનઆઉટ થયો હતો. ઋષભ પંતના બેટમાંથી 60 રન આવ્યા હતા. સુંદરે પણ 38 રનની અણનમ ઇનિંગ રમી હતી.

    ન્યુઝીલેન્ડ તરફથી એજાઝ પટેલે પ્રથમ દાવમાં પાંચ વિકેટ ઝડપી હતી. તેણે પ્રથમ ઇનિંગ્સની 18મી ઓવરના બીજા બોલ પર ઓપનર યશસ્વી જયસ્વાલને બોલ્ડ કર્યો હતો. આ દરમિયાન યશસ્વી માત્ર 30 રન બનાવી શક્યો હતો. ત્યારબાદ ઈજાઝનો આગામી શિકાર મોહમ્મદ સિરાજ હતો, જે પોતાનું ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. ત્યારબાદ ઈજાઝે સરફરાઝ ખાનને ટોમ બ્લન્ડરના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. એજાઝે શુભમન ગિલ અને આકાશ દીપને પણ પોતાની જાળમાં ફસાવ્યા હતા. 

    બીજા દિવસની રમતમાં ન્યુઝીલેન્ડની ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ભારતીય ફાસ્ટ બોલર આકાશ દીપે ન્યુઝીલેન્ડને પહેલો ઝટકો આપ્યો હતો. કેપ્ટન ટોમ લાથમે 4 બોલનો સામનો કર્યો અને માત્ર એક રન બનાવીને વોકઆઉટ થયો. આકાશ દીપે તેને બોલ્ડ કર્યો હતો. આ પછી વોશિંગ્ટન સુંદરે ડેવોન કોનવેને શુભમન ગિલના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. ડેવોન 22 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. 

  બીજી ઇનિંગમાં પણ રચિન રવિન્દ્ર સસ્તામાં આઉટ થયો હતો. અશ્વિને તેને પંતના હાથે સ્ટમ્પ કરાવ્યો હતો. ડેરીલ મિશેલ અને વિલ યંગ વચ્ચે 50 રનની ભાગીદારી બની હતી, પરંતુ જાડેજાએ તેમની ભાગીદારી તોડી હતી. ત્યારબાદ જાડેજાએ 4 રનના અંગત સ્કોર પર ટોમ બ્લન્ડરને 30મી ઓવરમાં પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો.

   આ પછી જાડેજાએ ઈશ સોઢી અને મેટ હેન્રીનો પણ શિકાર કર્યો હતો. જાડેજાએ બીજા દિવસે કુલ 4 વિકેટ ઝડપી હતી જ્યારે આર અશ્વિને 3 વિકેટ ઝડપી હતી. અશ્વિને ન્યૂઝીલેન્ડ માટે અડધી સદી ફટકારનાર વિલ યંગને ઝડપી લીધો હતો. તેણે વિલ યંગને તેના જ બોલ પર કેચ કરીને પેવેલિયન મોકલી દીધો હતો

(6:42 PM IST)