<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 3rd November 2024

વાનખેડે સ્ટેડિયમમાં આર અશ્વિને રચ્યો ઈતિહાસ : એક જ ઝાટકે તોડ્યો અનિલ કુંબલેનો શાનદાર રેકોર્ડ

આર અશ્વિન વાનખેડે સ્ટેડિયમમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો હવે તેના નામે 6 મેચમાં 19ની એવરેજ સાથે 41 વિકેટ

મુંબઈ :  ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીની છેલ્લી અને ત્રીજી ટેસ્ટ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે. અત્યાર સુધીમાં બે દિવસની રમત થઈ છે. ટીમ ઈન્ડિયાના ઓફ સ્પિનર આર અશ્વિને બીજા દિવસની રમતમાં ઈતિહાસ રચ્યો હતો.

   અશ્વિને દિગ્ગજ અનિલ કુંબલેનો રેકોર્ડ તોડ્યો હતો. તેણે ન્યૂઝીલેન્ડની બીજી ઇનિંગમાં એક વિકેટ લઈને આ ખાસ સિદ્ધિ હાંસલ કરી હતી. દિવસની રમતના અંત સુધીમાં અશ્વિને 3 વિકેટ ઝડપી હતી, જ્યારે પ્રથમ દાવમાં તેને કોઈ સફળતા મળી ન હતી. અશ્વિન વાનખેડે સ્ટેડિયમમાં સૌથી વધુ વિકેટ લેનારો ભારતીય બોલર બની ગયો છે. આ મામલે તેણે મહાન સ્પિનર અનિલ કુંબલેને પાછળ છોડી દીધો છે.

  આર અશ્વિન વાનખેડે સ્ટેડિયમમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો છે. હવે તેના નામે 6 મેચમાં 19ની એવરેજ સાથે 41 વિકેટ છે. અશ્વિને ન્યૂઝીલેન્ડની બીજી ઇનિંગમાં 16 ઓવરમાં 3/63ના આંકડા રેકોર્ડ કર્યા, જેમાં તેણે રચિન રવિન્દ્ર (4), ગ્લેન ફિલિપ્સ (26) અને વિલ યંગ (51)ને આઉટ કર્યા. આ દરમિયાન અશ્વિને પૂર્વ ભારતીય મહાન સ્પિનર અનિલ કુંબલેનો 38 વિકેટનો રેકોર્ડ તોડ્યો હતો, જે તેણે સાત મેચમાં હાંસલ કર્યો હતો. 

    વાનખેડે ખાતે સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેનાર બોલર: આર અશ્વિન - 41* અનિલ કુંબલે - 38 કપિલ દેવ - 28 હરભજન સિંહ - 24

   અશ્વિને બીજા દિવસે ન્યૂઝીલેન્ડના ડેરીલ મિશેલનો અદભૂત કેચ લીધો હતો. તેણે જાડેજાના બોલ પર પાછળની તરફ દોડતા ડેરીલને કેચ આપ્યો હતો. આ દરમિયાન મિશેલે 44 બોલમાં 21 રનની ઇનિંગ રમી જેમાં 1 ફોર અને 1 સિક્સ સામેલ હતી 

   જો ત્રીજી ટેસ્ટના બીજા દિવસની વાત કરીએ તો લેફ્ટ આર્મ સ્પિનર રવિન્દ્ર જાડેજાએ 52 રનમાં 4 વિકેટ અને ઓફ સ્પિનર આર અશ્વિને 63 રનમાં 3 વિકેટ ઝડપી હતી. આ બંનેના શાનદાર પ્રદર્શને ફરી એકવાર ન્યુઝીલેન્ડ સામેની છેલ્લી ટેસ્ટ મેચ જીતવાની ભારતની આશાઓને જીવંત કરી. ન્યુઝીલેન્ડે તેના બીજા દાવમાં બીજા દિવસે સ્ટમ્પ સુધી 9 વિકેટે 171 રન બનાવ્યા હતા અને તેની પાસે 143 રનની લીડ છે. આ પહેલા શુભમન ગિલ (90), વોશિંગ્ટન સુંદર (અણનમ 38), ઋષભ પંત (60)ની ઈનિંગ્સે ભારતને પ્રથમ દાવમાં 263 રન બનાવ્યા બાદ 28 રનની લીડ અપાવી હતી. ન્યૂઝીલેન્ડે પ્રથમ દાવમાં 235 રન બનાવ્યા હતા.


 

(12:01 AM IST)