<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th November 2024

ઓસ્ટ્રેલિયા સામે પરાજય બાદ પણ ટીમ ઇન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ: સમજો સમગ્ર ગણિત

ભારતીય ટીમ આ મહિને બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જશે આ સિરીઝ બંને ટીમો માટે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં જગ્યા બનાવવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ

મુંબઈ :ભારતીય ટીમ આ મહિને બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જવાની છે. ત્યારે આ સિરીઝ બંને ટીમો માટે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં જગ્યા બનાવવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભારતીય ટીમનો ન્યૂઝીલેન્ડ સામે વ્હાઈટવોશ થતા ભારતીય ટીમને આ સિરીઝમાં જીત મેળવવી ખૂબ જ જરૂરી છે.

ભારતીય ટીમ પાંચ મેચની ટેસ્ટ સિરીઝમાં ઓસ્ટ્રેલિયાને જો 4-0થી હરાવી દેશે તો તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ પહોંચી જશે. પરંતુ હારવાની સ્થિતિ પર પણ ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ પહોંચી શકે છે. ત્યારે જાણો કેવી રીતે હાર્યા બાદ પણ ફાઈનલમાં પહોંચી શકે છે.

 

જો ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાને સિરીઝમાં 4-0થી હરાવી દેશે, એટલે કે 4 જીત અને 1 ટેસ્ટ મેચ ડ્રો થશે તો ભારતના કુલ પર્સન્ટેઝ પોઈન્ટ 65.79 ટકા થઈ જશે. આવી સ્થિતિમાં, ભારતીય ટીમ ફાઈનલમાં પહોંચશે તે લગભગ નિશ્ચિત થઈ જશે. જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ બહાર થઈ જશે.

બીજી બાજુ જો ન્યુઝીલેન્ડ ઈંગ્લેન્ડને 3-0થી હરાવી દેશે તો તેમના કુલ પર્સન્ટેઝ પોઈન્ટ 64.29 થઈ જશે. જ્યારે સાઉથ આફ્રિકા પાકિસ્તાન અને શ્રીલંકાને 2-0થી હરાવશે તો તેમના 69.44% પોઈન્ટ થઈ જશે અને તેઓ ટોચ પર પહોંચી જશે. આવા સમીકરણ સાથે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ફાઇનલમાં મુકાબલો થઈ શકે છે.

 

ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સિરીઝ હારવા પર પણ ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ પહોંચી શકે છે. જો કે, ટીમ ઈન્ડિયાએ અન્ય ટીમો પર નિર્ભર રહેવું પડશે.

ઓસ્ટ્રેલિયા ભારતને 3-2થી હરાવી દે , ન્યૂઝીલેન્ડ-ઈંગ્લેન્ડ સિરીઝ 1-1થી ડ્રો થાય, સાઉથ આફ્રિકાની શ્રીલંકા અને પાકિસ્તાન બંને સાથેની સિરીઝ 1-1થી ડ્રો રહે. ઓસ્ટ્રેલિયા-શ્રીલંકાની સિરીઝ 0-0થી ડ્રો થાય.

આવી સ્થિતિમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 58.77% પોઈન્ટ સાથે ટોચ પર રહેશે. જ્યારે બીજા સ્થાને 53.51% પોઈન્ટ ભારતીય ટીમ હશે. આવી સ્થિતિમાં ઓસ્ટ્રેલિયા અને ભારત ફાઇનલમાં ટકરાશે.

(1:20 PM IST)