<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th November 2024

ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન આવવાની ના પાડી દીધી : ફાઈનલ પાકિસ્તાનમાં નહિ પરંતુ દુબઈમાં યોજાય.

પીસીબી ટૂર્નામેન્ટની યજમાનીમાંથી ખસી જાય છે તો આઈસીસી ટૂર્નામેન્ટની યજમાની દક્ષિણ આફ્રિકાને આપી શકે

નવી દિલ્હી :આવતા વર્ષે 19 ફેબ્રુઆરીથી 9 માર્ચ સુધી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 નું આયોજન થનાર છે. પીસીબીએ માહિતી આપી કે ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન આવવાની ના પાડી દીધી છે અને હાઇબ્રિડ મોડલ પર ટુર્નામેન્ટ યોજવા જણાવ્યું છે.

પીટીઆઈએ એક સૂત્રના હવાલાથી જણાવ્યું છે કે જો પીસીબી ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાનીમાંથી ખસી જવાનો નિર્ણય ન લે તો ભારતની મેચ યુએઈમાં અને ફાઈનલ દુબઈમાં યોજાશે. ભારતીય ક્રિકેટ બોર્ડે કહ્યું કે તેમને હાઈબ્રિડ મોડલ ત્યારે જ સ્વીકાર્ય છે જ્યારે ફાઈનલ પાકિસ્તાનમાં નહિ પરંતુ દુબઈમાં યોજાય.

 

જો પાકિસ્તાન હાઈબ્રિડ મોડલને લઈને આઈસીસી દ્વારા મોકલવામાં આવેલા પ્રસ્તાવને ન સ્વીકારે અને પીસીબી ટૂર્નામેન્ટની યજમાનીમાંથી ખસી જાય છે તો આઈસીસી ટૂર્નામેન્ટની યજમાની દક્ષિણ આફ્રિકાને આપી શકે છે. પીસીબીના એક સૂત્રએ કહ્યું હતું કે હાઇબ્રિડ મોડલ અંગે હજુ સુધી ચર્ચા કરવામાં આવી નથી અને તેઓ આ અંગે ICC પાસેથી સ્પષ્ટ જવાબ માંગશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ટૂર્નામેન્ટની તમામ મેચ પાકિસ્તાનના ત્રણ સ્ટેડિયમમાં રમાશે. BCCI ચેમ્પિયન્સ ટ્રોફી હાઇબ્રિડ મોડલ પર રમવા માટે તૈયાર છે, પરંતુ પાકિસ્તાન હજુ પણ પોતાની જીદ પર અડગ છે. હવે જોવાનું એ રહે છે કે BCCIના સ્પષ્ટ ઇનકાર પછી પાકિસ્તાન યજમાની છોડી દે છે કે પછી આખી ટૂર્નામેન્ટ બીજા કોઈ દેશમાં રમાશે.

(7:06 PM IST)