<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 24th November 2024

ભારતીય ક્રિકેટર યશસ્વી જયસ્વાલ હવે ડોન બ્રેડમેન અને માઈકલ હસીના જેવા ખેલાડીઓની ક્લબમાં સામેલ : 15 ટેસ્ટ બાદ ચોથો સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો

યશસ્વી જયસ્વાલે જુલાઈ 2023માં વેસ્ટ ઈન્ડિઝ સામે ડેબ્યૂ કર્યું હતું, પહેલી જ ટેસ્ટમાં સદીની ઇનિંગ રમી હતી. યશસ્વી જયસ્વાલની અત્યાર સુધીની કારકિર્દીમા ભારત માટે 15 ટેસ્ટ મેચની 28 ઇનિંગ્સમાં 1568 રન બનાવ્યા

 નવી દિલ્હી તા.૨૪

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે યશસ્વી જયસ્વાલે શાનદાર સદી ફટકારી હતી. તે 161 રન બનાવીને આઉટ થયો હતો. બીજા દાવમાં તેના જ દમ પર ભારતે 400થી વધુ રનની લીડ મેળવી હતી. યશસ્વી જયસ્વાલ હવે ડોન બ્રેડમેન અને માઈકલ હસીના જેવા ખેલાડીઓની ક્લબમાં સામેલ થઈ ગઈ છે. તે 15 ટેસ્ટ બાદ ચોથો સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. ડોન બ્રેડમેને 15 ટેસ્ટ મેચ રમીને સૌથી વધુ રન બનાવ્યા છે. તેના નામે સૌથી વધુ 2115 રન છે. આ યાદીમાં તે એકમાત્ર એવો ખેલાડી છે જેણે 2000થી વધુ રન બનાવ્યા છે. આ સિવાય તમામના 1700થી ઓછા રન છે. ડોન બ્રેડમેન વિશ્વ ક્રિકેટના મહાન ખેલાડીઓની યાદીમાં ગણાય છે. ઓસ્ટ્રેલિયા માટે 52 ટેસ્ટ મેચોમાં તેના નામે 6996 રન છે. બીજા નંબર પર માર્ક ટેલરનું નામ આવે છે. જેણે 15 ટેસ્ટમાં કુલ 1618 રન બનાવ્યા હતા. ત્રીજા ક્રમે એવર્ટન વીક્સ છે જેણે 1576 રન બનાવ્યા છે. ભારતીય બેટ્સમેન યશસ્વી જયસ્વાલ ચોથા સ્થાને આવે છે, જે એવર્ટન વીક્સ કરતા 8 રન પાછળ છે. પાંચમા સ્થાને માઈકલ હસી છે જેણે પ્રથમ 15 ટેસ્ટમાં 1560 રન બનાવ્યા છે. યશસ્વી જયસ્વાલે જુલાઈ 2023માં વેસ્ટ ઈન્ડિઝ સામે ડેબ્યૂ કર્યું હતું. તેણે પહેલી જ ટેસ્ટમાં સદીની ઇનિંગ રમી હતી. યશસ્વી જયસ્વાલની અત્યાર સુધીની કારકિર્દીની વાત કરીએ તો તેણે અત્યાર સુધી ભારત માટે 15 ટેસ્ટ મેચની 28 ઇનિંગ્સમાં 1568 રન બનાવ્યા છે. તેનો સર્વોચ્ચ સ્કોર 214 રહ્યો છે. તેણે 4 સદી અને 2 બેવડી સદી ફટકારી છે.

(1:52 PM IST)