<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 24th November 2024

IPL 2025 મેગા ઓક્શન : રિષભ પંતને લોટરી લાગી : 27 કરોડ રૂપિયામાં આ નવી ટીમનો સપોર્ટ મળ્યો

પંત IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો : તેણે આ હરાજીમાં શ્રેયસ અય્યરનો રેકોર્ડ તોડ્યો

દુબઈ : IPL 2025 મેગા ઓક્શનમાં રિષભ પંતની લોટરી લાગી છે. પંતના નામ પર ઘણી બોલી લાગી અને લખનૌ સુપર જાયન્ટ્સે 27 કરોડ રૂપિયા ખર્ચીને તેને પોતાની ટીમમાં સામેલ કર્યો. પંત IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. તેણે આ હરાજીમાં શ્રેયસ અય્યરનો રેકોર્ડ તોડ્યો છે. પંજાબ કિંગ્સે શ્રેયસ માટે રૂ. 26.75 કરોડની બોલી લગાવી હતી. પંત હવે IPL 2025માં લખનૌ સુપર જાયન્ટ્સ તરફથી રમતા જોવા મળશે.

હરાજીના ટેબલ પર રિષભ પંતનું નામ આવતા જ રૂમમાં ભારે હોબાળો મચી ગયો હતો. આરસીબી અને પંજાબ કિંગ્સે શરૂઆતમાં પંત માટે બોલી લગાવી હતી. બંને ટીમો વચ્ચે જોરદાર જંગ ખેલાયો હતો. આ પછી લખનૌ સુપર જાયન્ટ્સ એક્શનમાં આવી અને પંત માટે સતત બોલી લગાવી.

સનરાઇઝર્સ હૈદરાબાદે પણ ભારતીય વિકેટકીપરને મેળવવાનો પૂરો પ્રયાસ કર્યો હતો. લખનૌ સુપર જાયન્ટ્સે પંત માટે 19.75 કરોડ રૂપિયાની છેલ્લી બોલી લગાવી, ત્યારબાદ દિલ્હી કેપિટલ્સને રાઈટ ટુ મેચ કાર્ડ વિશે પૂછવામાં આવ્યું. દિલ્હીએ પંત માટે આરટીએમ કાર્ડનો ઉપયોગ કર્યો હતો. જો કે, લખનૌએ પંત માટે રૂ. 27 કરોડની બોલી લગાવી, જેના પછી દિલ્હીએ પીછેહઠ કરી.

 

(4:57 PM IST)