<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th November 2024

એડિલેડ ટેસ્ટમાં રવિન્દ્ર જાડેજાની એન્ટ્રી :રોહિત શર્મા અને ગીલની પણ વાપસી :ક્યાં ખેલાડીને રખાશે બહાર

બીજી ટેસ્ટમાં ભારતીય ટીમ ઘણા ફેરફારો કરતી જોવા મળશે.: કયા ત્રણ ખેલાડીઓને પ્લેઇંગ 11માંથી બહાર કરવામાં આવશે એ બાબતે ચાહકોમાં ચર્ચા

ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગયેલી ટીમ ઈન્ડિયાએ બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં શાનદાર શરૂઆત કરી છે. ટીમ ઈન્ડિયાએ પર્થ ટેસ્ટમાં યજમાન ટીમને 295 રનથી હરાવી 5 ટેસ્ટ મેચની શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે. પરંતુ બીજી ટેસ્ટમાં ભારતીય ટીમ ઘણા ફેરફારો કરતી જોવા મળશે.

    ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા એડિલેડમાં રમાનાર બીજી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયામાં વાપસી કરતો દેખાઈ રહ્યો છે, જ્યારે રોહિત શર્મા અને શુભમન ગિલ પણ આ મેચમાં રમતા જોવા મળશે. આ ખેલાડીઓની એન્ટ્રી સાથે કયા ત્રણ ખેલાડીઓને પ્લેઇંગ 11માંથી બહાર કરવામાં આવશે એ બાબતે ચાહકોમાં ચર્ચા જાગી છે .

   બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પ્રથમ ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાએ શાનદાર પ્રદર્શન કર્યું અને યજમાન ઓસ્ટ્રેલિયાને હરાવ્યું. હવે આ શ્રેણીની બીજી મેચ 6 ડિસેમ્બરથી એડિલેડમાં રમાશે. રિપોર્ટ્સનું માનીએ તો ટીમ ઈન્ડિયા આ મેચમાં ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાની વાપસી કરતી જોવા મળી શકે છે. પરંતુ જો જાડેજા ટીમ ઈન્ડિયામાં પરત ફરે છે તો વોશિંગ્ટન સુંદરને પ્લેઈંગ 11માંથી બહાર બેસવું પડશે.

     ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા પ્રથમ ટેસ્ટ બાદ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ટીમ ઈન્ડિયા સાથે જોડાઈ ગયા છે. રોહિત બીજી ટેસ્ટમાં પણ મુલાકાતી ટીમની કેપ્ટનશિપ કરતો જોવા મળશે. તે અંગત કારણોસર પર્થ ટેસ્ટમાંથી ખસી ગયો હતો. ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે પર્થમાં તેના સ્થાને ટીમ ઈન્ડિયાની કમાન સંભાળી છે. રોહિતની વાપસી બાદ જસપ્રીત બુમરાહ ફરી એકવાર વાઇસ કેપ્ટન તરીકે જોવા મળશે. તેથી હિટમેન તેના બેસ્ટ ફ્રેન્ડ રવિન્દ્ર જાડેજાને અંતિમ અગિયારમાં પ્રવેશ અપાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરશે.

   શુભમન ગિલ ટીમ ઈન્ડિયાનો મહત્વનો ખેલાડી છે અને ઓસ્ટ્રેલિયામાં તેનું પ્રદર્શન સતત શાનદાર રહ્યું છે. પરંતુ પર્થ ટેસ્ટ પહેલા તેને ઈજા થઈ હતી અને તેને પ્લેઈંગ 11માંથી બહાર થવું પડ્યું હતું. પરંતુ જો રિપોર્ટ્સનું માનીએ તો તે એડિલેડમાં રમાનાર બીજી ટેસ્ટ પહેલા ફિટ થઈ જશે અને પ્લેઈંગ 11માં પરત ફરશે. રોહિત શર્માની ગિલની વાપસીને કારણે દેવદત્ત પડિકલ અને ધ્રુવ જુરેલને આ મેચમાંથી બહાર બેસવું પડશે. રોહિત શર્મા, રવિન્દ્ર જાડેજા અને ગીલની વાપસીથી તમામની નજર ટીમ ઈન્ડિયાના પ્રદર્શન પર રહેશે.

(7:01 PM IST)