News of Wednesday, 27th November 2024
જયદેવ ઉનડકટ આઈપીએલની હરાજીમાં ૧૩મી વખત વેચાયો
લાગે છે કરોડોની બોલી :જયદેવ ઉનડકટે વર્ષ ૨૦૧૦માં IPL ડેબ્યૂ કર્યું હતું

નવી દિલ્હી, તા.૨૭ "આઈપીએલ ૨૦૨૫ સીઝન માટે મેગા ઓક્શન પૂર્ણ થઈ ગયું છે અને દરેક ફ્રેન્ચાઈઝીએ પોતાની ટીમ તૈયાર કરી લીધી છે. ઋષભ પંત હરાજીમાં ચર્ચામાં રહ્યો હતો, જેને લખનૌ સુપર જાયન્ટ્સે ૨૭ કરોડ રૃપિયામાં ખરીદ્યો હતો. આ અત્યાર સુધી કોઈપણ ખેલાડીને મળેલી સૌથી વધુ રકમ છે. જ્યારે ૧૩ વર્ષીય વૈભવ સૂર્યવંશી ટૂર્નામેન્ટના ઈતિહાસમાં સૌથી યુવા ખેલાડી બની ગયો છે. તેને રાજસ્થાન રોયલ્સે ૧.૧૦ કરોડ રૃપિયામાં ખરીદ્યો હતો. IPL 2025 પહેલા, ૧૦ ટીમોએ હરાજીમાં ૬૨ વિદેશી સહિત ૧૮૨ ખેલાડીઓને સાઇન કરવા માટે રૃ. ૬૩૯.૧૫ કરોડનો ખર્ચ કર્યો હતો.
ઋષભ પંત ઉપરાંત શ્રેયસ ઐયર અને વેંકટેશ ઐયરને પંજાબ કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સે અનુક્રમે રૃ. ૨૬.૭૫ કરોડ અને રૃ. ૨૩.૭૫ કરોડની મોટી કિંમતે ખરીદ્યા હતા. અન્ય ખેલાડીઓમાં, અર્શદીપ સિંહ અને યુઝવેન્દ્ર ચહલને પંજાબ કિંગ્સે ૧૮ કરોડ રૃપિયાની સમાન કિંમતે ખરીદ્યા હતા જ્યારે જોસ બટલરને ગુજરાત ટાઇટન્સે ૧૫.૭૫ કરોડ રૃપિયામાં ખરીદ્યો હતો.
હરાજી બાદ તમામ ૧૦ ટીમો ઘણી મજબૂત દેખાઈ રહી છે. કોણ નબળું હશે અને કોણ બળવાન હશે તે કહેવું બહુ મુશ્કેલ છે. હરાજીના ટેબલ પર બેઠેલા તમામ ટીમ લીડરોએ ઘણું હોમવર્ક કર્યું હતું, જે હરાજી દરમિયાન દેખાઈ રહ્યું હતું. ખાસ કરીને લખનૌ, દિલ્હી અને રાજસ્થાનની ફ્રેન્ચાઈઝીઓએ ખેલાડીઓની પસંદગીમાં ખૂબ કાળજી લીધી હતી.
તમામ ટીમોએ હોમ અને અવે મેચ રમવાની છે. આવી સ્થિતિમાં, કેટલીક ટીમો ઘરઆંગણે મજબૂત હશે, જ્યારે કેટલીક અન્યના ઘરે જઈને તબાહી મચાવી શકે છે, પરંતુ એક વાત નિશ્ચિત છે કે નવા કેપ્ટન, કોચ અને ખેલાડીઓ સાથેની કેટલીક ટીમો આ વખતે જોરદાર વાપસી કરવા જઈ રહી છે. જ્યારે જૂની ચેમ્પિયન ટીમો પણ પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા માંગશે. તે જ સમયે, બે દિવસ સુધી ચાલેલી હરાજીમાં, એક એવું નામ હતું જેના પર બહુ ઓછા લોકોની નજર હતી અને તે છે ગુજરાતનો જયદેવ ઉનડકટ, જેણે આ હરાજીમાં ઇતિહાસ રચ્યો હતો.
વાસ્તવમાં, જયદેવ ઉનડકટ IPLની હરાજીમાં ૧૩મી વખત વેચાયો છે. તેના સિવાય આટલી વખત હરાજીમાં અન્ય કોઈ ખેલાડી વેચાયો નથી. જ્યારે જયદેવ ઉનડકટ ૧૩મી વખત વેચાયો છે, જ્યારે અન્ય કોઈ ખેલાડીની હરાજીમાં સાત વખતથી વધુ બોલી લગાવવામાં આવી નથી. આ વખતે હરાજીમાં ભારતના ૩૩ વર્ષીય ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટને સનરાઈઝર્સ હૈદરાબાદે ખરીદ્યો હતો. હૈદરાબાદ ફ્રેન્ચાઇઝી જયદેવને તેની મૂળ કિંમત રૃ. ૧ કરોડમાં ખરીદવામાં સફળ રહી હતી.
જયદેવ ઉનડકટે વર્ષ ૨૦૧૦માં IPLમાં ડેબ્યૂ કર્યું હતું. તે વર્ષે તેને કેટલી રકમ મળી તે અંગે અલગ-અલગ માહિતી ઉપલબ્ધ છે. ESPNcricinfoના રિપોર્ટ અનુસાર, કોલકાતા નાઈટ રાઈડર્સે વર્ષ ૨૦૧૦ માટે આ બોલરને ૮ લાખ રૃપિયા આપ્યા હતા. પરંતુ બીજા જ વર્ષે આ ખેલાડીનું નસીબ ચમક્યું અને તેને હરાજીમાં ૧.૪ કરોડ રૃપિયામાં ખરીદવામાં આવ્યો. ૨૦૧૨માં પણ કોલકાતા સાથે રહ્યો હતો.
બેંગ્લોરે તેને ૨૦૧૩માં ખરીદ્યો હતો. જ્યારે ૨૦૧૪માં તે દિલ્હી વતી રમ્યો હતો અને ૨૦૧૫માં ફરી દિલ્હી સાથે રહ્યો હતો. જ્યારે ૨૦૧૬માં તેને કોલકાતાએ ૧.૬ કરોડ રૃપિયામાં ખરીદ્યો હતો. આ સિઝન તેના માટે ખાસ ન હતી, ત્યાર બાદ તેને આગામી સિઝનમાં માત્ર ૩૦ લાખ રૃપિયામાં ખરીદવામાં આવ્યો હતો. પરંતુ આ સિઝનમાં તેણે પુનરાગમન કર્યું અને ૧૨ મેચમાં ૨૪ વિકેટ લીધી, ત્યારબાદ તેને રાજસ્થાન રોયલ્સે ૨૦૧૮ની સિઝન માટે ૧૧.૫૦ કરોડમાં ખરીદ્યો. તે સીઝનનો સૌથી મોંઘો ખેલાડી હતો.
(7:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
