News of Friday, 6th December 2024
એડિલેડના મેદાન પર અચાનક સંપૂર્ણ અંધારું છવાઈ ગયું :રમત બે વખત રોકવાની ફરજ પડી
અચાનક તમામ ફ્લડ લાઇટો બંધ થઈ ગઈ અને રમત થોડીવાર માટે બંધ કરવી પડી. રમત ફરી શરૂ થઈ, પરંતુ બે બોલ બાદ મેદાનમાં ફરી અંધારું છવાઈ ગયું

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એડિલેડના મેદાન પર શ્રેણીની બીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાના બેટ્સમેનો મિચેલ સ્ટાર્કની ઘાતક બોલિંગ સામે આસાનીથી શરણે થઈ ગયા અને આખી ટીમ માત્ર 180 રન બનાવીને જ ભાંગી પડી. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ મજબૂત શરૂઆત કરી છે. જો કે, કાંગારૂ ટીમની ઈનિંગ દરમિયાન એડિલેડના મેદાન પર અચાનક અંધારું છવાઈ ગયું હતું, જેના કારણે રમત બે વખત રોકવી પડી હતી.
આ ઘટના ઓસ્ટ્રેલિયાની ઈનિંગની 18મી ઓવરમાં બની હતી. નીતીશ રેડ્ડી બોલિંગ કરી રહ્યો હતો અને ઓસ્ટ્રેલિયાનો નાથન મેકસ્વીની ક્રિઝ પર રમી રહ્યો હતો. ઓવરના પહેલા બે બોલ ડોટ હતા. નીતિશ ત્રીજો બોલ ફેંકવા તૈયાર હતો. જોકે, અચાનક એડિલેડના મેદાન પર સંપૂર્ણ અંધારું છવાઈ ગયું હતું. અચાનક તમામ ફ્લડ લાઇટો બંધ થઈ ગઈ અને રમત થોડીવાર માટે બંધ કરવી પડી. રમત ફરી શરૂ થઈ, પરંતુ બે બોલ બાદ મેદાનમાં ફરી અંધારું છવાઈ ગયું. જોકે, ટૂંક સમયમાં જ મેચ શરૂ થઈ અને નીતિશ રેડ્ડીએ પોતાની ઓવર પૂરી કરી. ઓસ્ટ્રેલિયાના મેદાનો પર આવી ઘટનાઓ ભાગ્યે જ જોવા મળે છે.
આ પહેલા મિચેલ સ્ટાર્કે તબાહી મચાવી હતી અને પ્રથમ દાવમાં સમગ્ર ભારતીય ટીમને 180 રનમાં આઉટ કરી દીધી હતી. સ્ટાર્કે તેના સ્વિંગિંગ બોલથી ભારતીય બેટ્સમેનોને પરેશાન કર્યા હતા. કાંગારૂ ફાસ્ટ બોલરે 14.1 ઓવરના સ્પેલમાં માત્ર 48 રન આપીને 6 વિકેટ લીધી હતી. સ્ટાર્કે મેચના પહેલા જ બોલ પર યશસ્વી જયસ્વાલને આઉટ કર્યો હતો. આ સાથે જ તેણે 37 રનના સ્કોર પર કેએલ રાહુલને પેવેલિયનનો રસ્તો પણ બતાવ્યો હતો.
વિરાટ કોહલી પણ સ્ટાર્કના આઉટગોઇંગ બોલનો શિકાર બન્યો હતો. 42 રનની શાનદાર ઇનિંગ રમ્યા બાદ નીતિશ રેડ્ડી પણ સ્ટાર્કનો શિકાર બન્યો હતો. આ સાથે જ ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલરે આર અશ્વિન અને હર્ષિત રાણાને પણ આઉટ કર્યા હતા.
(8:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
