<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th December 2024

ભારતનું ચેમ્પિયન બનવાનું સપનું ચકનાચૂર :બાંગ્લાદેશે 59 રને હરાવી ટાઈટલ જાળવ્યું

બાંગ્લાદેશે ટીમ ઈન્ડિયાને 59 રનથી હરાવીને સતત બીજી વખત ટાઈટલ પર કબજો કર્યો: વર્ષ 2023માં યુએઈને હરાવીને ટાઈટલ જીત્યું હતું: 199 રનનો ટાર્ગેટ સામે ભારતીય ટિમ 139 રનમાં સમેટાઈ ગઈ

મુંબઈ : ACC અંડર-19 એશિયા કપ 2024માં ભારતને ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન બાંગ્લાદેશે સફળતાપૂર્વક પોતાના ટાઇટલનો બચાવ કર્યો અને સતત બીજી વખત ટ્રોફી પર કબજો કર્યો. ફાઈનલ મેચમાં બાંગ્લાદેશે ભારતને 59 રને હરાવ્યું હતું. બાંગ્લાદેશે 198 રનના લક્ષ્યનો સફળતાપૂર્વક બચાવ કર્યો હતો.

 

પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશે 198 રન બનાવ્યા હતા. ભારતની મજબૂત બેટિંગ લાઇનઅપ સામે આ સ્કોર નાનો માનવામાં આવતો હતો. જોકે બાંગ્લાદેશના બોલરોએ તેને મુશ્કેલ બનાવી દીધું હતું. ભારતીય અંડર-19 ટીમ 139 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. બાંગ્લાદેશે પ્રથમ બેટિંગ કરીને સંઘર્ષ કર્યો અને ફાઇટિંગ ટોટલ બનાવ્યું અને બોલરોએ સારી બોલિંગ કરીને પોતાની ટીમને વિજય અપાવ્યો.

ફાઇનલમાં ભારતીય કેપ્ટન મોહમ્મદ અમાને ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. બાંગ્લાદેશે ધીમી પરંતુ સ્થિર શરૂઆત કરી હતી. ટીમે પ્રથમ 10 ઓવરમાં 41 રન બનાવ્યા હતા અને આ દરમિયાન માત્ર એક વિકેટ ગુમાવી હતી. બીજા પાવરપ્લેમાં ભારતીય ટીમે શાનદાર વાપસી કરીને બાંગ્લાદેશના પાંચ બેટ્સમેનોને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. જોકે, બાંગ્લાદેશના મોહમ્મદ શિહાબ (40), રિઝાન હોસન (47) અને ફરીદ હસને (39) ટૂંકી ઇનિંગ્સ રમીને ટીમને 150ની નજીક પહોંચાડી હતી.

છેલ્લા પાવરપ્લેમાં ભારતે 37 રન આપ્યા હતા અને ચાર વિકેટ લીધી હતી. બાંગ્લાદેશનો દાવ 49.1 ઓવરમાં 198 રન બનાવીને સમેટાઈ ગયો હતો. ભારતના ત્રણ બોલરોએ બે-બે અને ત્રણ બોલરોને એક-એક વિકેટ મળી હતી. એક બેટ્સમેન રન આઉટ થયો હતો.

 

સરળતાથી દેખાતા ટાર્ગેટનો પીછો કરવા આવેલી ભારતીય ટીમની હાલત શરૂઆતથી જ ખરાબ થઈ ગઈ હતી. પ્રથમ પાવરપ્લેમાં ભારતીય ટીમે બે વિકેટ ગુમાવીને 39 રન બનાવ્યા હતા. ટીમના સ્કોરમાં માત્ર 5 રન ઉમેરાયા હતા ત્યારે ભારતની ત્રીજી વિકેટ પણ પડી હતી. 73ના સ્કોર પર બાંગ્લાદેશે ભારતને બેવડો ઝટકો આપ્યો અને અડધી ટીમને પેવેલિયન મોકલી દીધી. પાંચ વિકેટ ગુમાવીને ભારત મુશ્કેલીમાં મુકાઈ ગયું હતું. કેપ્ટન અમાને ઝડપથી રન બનાવવાનો પ્રયાસ કર્યો અને પોતાની વિકેટ ગુમાવી દીધી અને ભારતની છેલ્લી આશા પણ તુટી ગઈ.

ભારતીય બેટ્સમેનોએ બાંગ્લાદેશના ઈકબાલ હુસેન ઈમોન અને અઝીઝુલ હકીમ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. બંને બોલરોએ મળીને છ વિકેટ ઝડપી હતી. અલ ફહદને બે વિકેટ મળી હતી. ભારતીય ટીમ 35.2 ઓવરમાં 139 રન બનાવીને પડી ભાંગી હતી. કેપ્ટન અમાને સૌથી વધુ 26 રનની ઇનિંગ રમી હતી જ્યારે હાર્દિક રાજે 24 રન બનાવ્યા હતા. પાંચ બેટ્સમેન ડબલ ફિગરને પણ સ્પર્શી શક્યા ન હતા, જેમાંથી એક બેટ્સમેન પોતાનું ખાતું પણ ખોલી શક્યો ન હતો.

(6:38 PM IST)