<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th December 2024

નીલમ ભારદ્વાજની વિસ્ફોટક ઈનિંગ: 29 બાઉન્ડ્રી સાથે ડબલ સેન્ચુરી ફટકારી :રેકોર્ડ બુકમાં નામ નોંધાયું

નીલમ ભારદ્વાજ લિસ્ટ A ગેમમાં બેવડી સદી ફટકારનારી સૌથી યુવા ભારતીય મહિલા બની

 

ઉત્તરાખંડની નીલમ ભારદ્વાજે પોતાની ઈનિંગ્સથી હલચલ મચાવી દીધી હતી.નીલમ ભારદ્વાજ લિસ્ટ A ગેમમાં બેવડી સદી ફટકારનારી સૌથી યુવા ભારતીય મહિલા બની છે. તેણે 18 વર્ષની ઉંમરમાં આ સિદ્ધિ મેળવી છે. નીલમે નાગાલેન્ડના બોલરોને ર ક્લાસ લીધો હતો. લિસ્ટ A ગેમમાં તેના પ્રદર્શનને કારણે તેણે રેકોર્ડ બુકમાં પોતાનું નામ નોંધાવ્યું છે.
ભારદ્વાજે ઉત્તરાખંડ માટે તેની મેરેથોન ઇનિંગ્સ દરમિયાન બે છગ્ગા અને 27 ચોગ્ગા ફટકાર્યા હતા. તેણે માત્ર 137 બોલમાં 202* રનની અણનમ ઇનિંગ રમી હતી. આવી સ્થિતિમાં ઉત્તરાખંડે નિર્ધારીત 50 ઓવરમાં 371/2નો વિશાળ સ્કોર બનાવ્યો હતો. તેની આ ઈનિંગ અમદાવાદમાં રમાયેલી સિનિયર મહિલા ODI ટ્રોફીમાં જોવા મળી હતી.

ભારતીય મહિલા ક્રિકેટ એક શાનદાર તબક્કામાં છે. શ્વેતા સેહરાવતે ભારતીય મહિલાઓ માટે લિસ્ટ A મેચમાં 150 બોલમાં 242 રન બનાવીને પ્રથમ બેવડી સદી ફટકારી હતી. જ્યારે સ્મૃતિ મંધાનાએ 2013-14માં ગુજરાત અંડર 19 સામે મહારાષ્ટ્ર અંડર 19 ટીમ માટે અણનમ 224* રન બનાવ્યા હતા.

આ સિવાય પૂર્વ ભારતીય મહિલા બેટ્સમેન અને કેપ્ટન મિતાલી રાજ પણ આ યાદીમાં સામેલ છે. મિતાલીએ ઈંગ્લેન્ડ સામે 214 રન બનાવ્યા હતા. તેનો સ્કોર ટેસ્ટ ઈતિહાસમાં ભારતીય મહિલા દ્વારા સૌથી વધુ વ્યક્તિગત સ્કોર છે. રાજે આ સિદ્ધિ વર્ષ 2002માં હાંસલ કરી હતી.
ભારદ્વાજની તોફાની ઇનિંગ્સને કારણે, ઉત્તરાખંડની મહિલા ટીમે નાગાલેન્ડની મહિલા ટીમ સામે 259 રનના વિશાળ માર્જિનથી જીત મેળવી હતી. ભારતીય ટીમનું નેતૃત્વ વર્લ્ડ કપ ફાઇનલિસ્ટ એકતા બિષ્ટે કર્યું હતું. બિશ્તે મેચમાં 5 વિકેટ લીધી હતી. આ સમયગાળા દરમિયાન તેની ઈકોનોમી 1.40ની હતી.

(10:44 PM IST)