<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th December 2024

‘હાઇબ્રિડ મોડલ' પર જ રમાશે ચેમ્‍પિયન્‍સ ટ્રોફી : ICCનીમંજૂરીની મહોર

હવે આ ટુર્નામેન્‍ટ પાકિસ્‍તાન અને દુબઇ (સંયુકત આરબ અમીરાત)માં યોજાશે : ટી૨૦ વર્લ્‍ડ કપ ૨૦૨૬માં પાકિસ્‍તાન લીગ મેચ માટે ભારતનો પ્રવાસ નહીં કરે : પાકિસ્‍તાન પોતાની તમામ મેચ કોલંબોમાં રમશે

દુબઈ, તા.૧૪: ICC ચેમ્‍પિયન્‍સ ટ્રોફી ૨૦૨૫ને લઈને મોટા સમાચાર સામે આવી રહ્‍યાં છે. ICCએ ચેમ્‍પિયન્‍સ ટ્રોફી ૨૦૨૫ને હાઇબ્રિડ મોડલ પર રમાડવાની મંજૂરી આપી દીધી છે. હવે આ ટુર્નામેન્‍ટ પાકિસ્‍તાન અને દુબઈ (સંયુક્‍ત આરબ અમીરાત)માં યોજાશે. તેને લઈને ભારતીય ક્રિકેટ કન્‍ટ્રોલ બોર્ડ અને પાકિસ્‍તાન ક્રિકેટ કન્‍ટ્રોલ બોર્ડ વચ્‍ચે સમજૂતી પણ થઈ છે. હવે ભારતીય ટીમ ચેમ્‍પિયન્‍સ ટ્રોફી ૨૦૨૫માં પોતાની તમામ મેચ દુબઈમાં રમશે. જ્‍યારે ટુર્નામેન્‍ટની બાકીની મેચો પાકિસ્‍તાનમાં રમાશે.

BCCI અને PCB બંને સૈદ્ધાંતિક રૂપે આ વાત પર સમહત થયા છે કે, ટી૨૦ વર્લ્‌ડ કપ ૨૦૨૬માં પાકિસ્‍તાન લીગ મેચ માટે ભારતનો પ્રવાસ નહીં કરે. પાકિસ્‍તાન પોતાની તમામ મેચ કોલંબોમાં રમશે. હાઇબ્રિડ મોડલ પર ચેમ્‍પિયન્‍સ ટ્રોફીના આયોજનને લઈને PCB માટે કોઈ વળતર નહીં મળે. પરંતુ તેને ૨૦૨૭ પછી કોઈ આઈસીસી મહિલા ટૂર્નામેન્‍ટની યજમાની મળશે.

જણાવી દઈએ કે, ભારત સરકારે આ ટુર્નામેન્‍ટ માટે ભારતીય ટીમને પાકિસ્‍તાન જવાની મંજૂરી આપી નહોતી. એવામાં હાઇબ્રિડ મોડલ જ એક માત્ર વિકલ્‍પ હતો. બીસીસીઆઈએ પત્ર લખીને આ નિર્ણય વિશે આઈસીસીને જાણ કરી હતી. જો કે PCBએ આઈસીસીની બેઠકમાં ભાર પૂર્વક કહ્‍યું હતુ કે તે હાઇબ્રિડ મોડલ અંતર્ગત ટુર્નામેન્‍ટનું આયોજન કરવા માટે રાજી નથી. પરંતુ હવે તેનું વલણ કૂણું પડયું છે.

નોંધનીય છે કે, ૧૯૯૬ના વર્લ્‌ડ કપ આયોજન પછી આ પાકિસ્‍તાનની પહેલી આઈસીસી ઇવેન્‍ટ છે, ત્‍યારે ભારત અને પાકિસ્‍તાન પણ આ આયોજનના કો-હોસ્‍ટ હતા. ભારત અને પાકિસ્‍તાને ૨૦૧૨ પછી કોઈ દ્વિપક્ષીય સિરીઝ રમી નથી, પરંતુ ગત વર્ષે ભારતમાં યોજાયેલા વનડે વર્લ્‌ડ કપ સહિત આઈસીસી ટુર્નામેન્‍ટોમાં તે એક બીજાનો સામનો કરતા રહ્‍યાં છે. ગત વર્ષે પાકિસ્‍તાન દ્વારા આયોજીત એશિયા કપને પણ હાઇબ્રિડ મોડલમાં ફેરવી નાખવામાં આવ્‍યું હતુ, કેમ કે, ભારતે પાકિસ્‍તાનમાં રમાવાથી ઇનકાર કરી દીધો હતો. ભારતે પોતાની તમામ મેચ શ્રીલંકામાં રમી હતી.(૨૩.૬)

(10:06 AM IST)