<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th January 2025

આઇસીસી રેન્‍કિંગમાં જસપ્રિત બુમરાહનો નંબર વન : રૂષભ પંત બેટીંગમાં ૯ માં ક્રમે

બોર્ડર-ગાવસ્‍કર ટ્રોફીમાં શાનદાર પ્રદર્શનનું ફળ મળ્‍યુ

નવી દિલ્‍હી, તા. ૯ : ભારતીય ટીમના ફાસ્‍ટ બોલર જસપ્રીત બુમરાહે બોર્ડર-ગાવસ્‍કર ટ્રોફીમાં પોતાના શાનદાર પ્રદર્શનથી બધાનું ધ્‍યાન ખેંચ્‍યું છે. ભારતીય ટીમને બોર્ડર ગાવસ્‍કર ટ્રોફી ૨૦૨૪-૨૫માં ૧-૩ થી કારમી હારનો સામનો કરવો પડ્‍યો હોવા છતાં, બુમરાહે પોતાની તરફથી શ્રેષ્ઠ યોગદાન આપ્‍યું હતું. બુમરાહને તેની મહેનતનું ફળ ICC તરફથી મળ્‍યું છે. તે હાલમાં ICC મેન્‍સ ટેસ્‍ટ બોલર્સ રેન્‍કિંગમાં નંબર ૧ પર છે. બુમરાહે BGT ૨૦૨૪-૨૫માં ૩૨ વિકેટ લીધા બાદ ICC રેન્‍કિંગમાં એક નવો રેકોર્ડ બનાવ્‍યો. તે ICC રેન્‍કિંગમાં સૌથી વધુ રેન્‍કિંગ પોઈન્‍ટ (૯૦૮) સુધી પહોંચનાર પ્રથમ ભારતીય બોલર બન્‍યો.

ટીમ ઈન્‍ડિયાના વિકેટકીપર બેટ્‍સમેન ઋષભ પંતને ICC રેન્‍કિંગમાં જબરદસ્‍ત ફાયદો થયો છે. પંત ICC ટેસ્‍ટ બેટ્‍સમેન રેન્‍કિંગમાં ૯મા ક્રમે પહોંચી ગયો છે. સિડની ટેસ્‍ટમાં પંતે ૩૩ બોલમાં ૬૧ રનની ઇનિંગ રમી હતી, જેનો તેમને હવે ફાયદો થયો છે. ભારતીય ઓપનર શુભમન ગિલને ૩ સ્‍થાન ગુમાવવું પડ્‍યું. ગિલ હવે ૨૩ મા સ્‍થાને છે. વિરાટ કોહલી ત્રણ સ્‍થાન નીચે સરકીને ૨૭મા સ્‍થાને પહોંચી ગયો છે, જ્‍યારે રોહિત બે સ્‍થાન નીચે સરકીને ૪૨ મા સ્‍થાને પહોંચી ગયો છે.

 ટીમ ઈન્‍ડિયાનો ફાસ્‍ટ બોલર જસપ્રીત બુમરાહ ICC મેન્‍સ ટેસ્‍ટ બોલિંગ રેન્‍કિંગમાં નંબર ૧ પર છે. બુમરાહ ૯૦૮ રેટિંગ પોઈન્‍ટ સાથે પ્રથમ સ્‍થાને છે. ઓસ્‍ટ્રેલિયા સામેની ટેસ્‍ટ શ્રેણીમાં ૩૨ વિકેટ લેવા બદલ તેને પુરસ્‍કાર મળ્‍યો છે. ઓસ્‍ટ્રેલિયન ટીમના કેપ્‍ટન પેટ કમિન્‍સ એક સ્‍થાનના ફાયદા સાથે બીજા ક્રમે પહોંચી ગયા છે. તેમનું રેટિંગ ૮૪૧ છે.

 ICC ટેસ્‍ટ ઓલરાઉન્‍ડર રેન્‍કિંગમાં જાડેજાનું શાસન ચાલુ છે. ભારતીય સ્‍ટાર રવિન્‍દ્ર જાડેજાનું નામ ICC ટેસ્‍ટ ઓલરાઉન્‍ડર રેન્‍કિંગમાં ટોચ પર છે. જાડેજાના ૪૦૦ રેટિંગ પોઈન્‍ટ છે.

(1:36 PM IST)