તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 22nd January 2025
અભિષેક શર્માના તોફાનથી ઈંગ્લેન્ડ ઉડી ગયું : T20 સિરીઝની પહેલી જ મેચમાં ભારતનો 7 વિકિટે વિજય
કોલકાતા T20માં ભારતીય ટીમે ઈંગ્લેન્ડ સામે 7 વિકેટે જીત મેળવી :ટીમ ઈન્ડિયાએ 133 રનનો ટાર્ગેટ સરળતાથી હાંસલ કર્યો અભિષેક શર્માએ માત્ર 20 બોલમાં અડધી સદી ફટકારી

ટીમ ઈન્ડિયાએ T20 સિરીઝની પહેલી જ મેચમાં ઈંગ્લેન્ડને ખરાબ રીતે હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડે માત્ર 132 રન બનાવ્યા જે ટીમ ઈન્ડિયા માટે બહુ ઓછા સાબિત થયા. ભારતે આ મેચ માત્ર 12.5 ઓવરમાં જીતી લીધી હતી. અભિષેક શર્માએ શાનદાર બેટિંગ કરીને ટીમ ઈન્ડિયાને ટી20 શ્રેણીમાં 1-0ની લીડ અપાવી હતી. અભિષેક શર્માએ માત્ર 34 બોલમાં 79 રન બનાવ્યા, જેમાં તેના બેટમાંથી 8 છગ્ગા અને 5 ચોગ્ગા આવ્યા. અભિષેક શર્માએ માત્ર 20 બોલમાં અડધી સદી ફટકારી હતી, જે ભારતમાં તેની T20 આંતરરાષ્ટ્રીય કારકિર્દીની સૌથી ઝડપી અડધી સદી છે.
અભિષેક શર્મા પહેલા બોલરોએ પોતાની તાકાત બતાવી હતી. ખાસ કરીને અર્શદીપ સિંહ અને વરુણ ચક્રવર્તીએ અદભૂત બોલિંગ કરી હતી. અર્શદીપ સિંહે 4 ઓવરમાં માત્ર 17 રન આપીને 2 વિકેટ લીધી હતી. વરુણ ચક્રવર્તીએ 4 ઓવરમાં 23 રન આપીને 3 વિકેટ લીધી હતી. હાર્દિક પંડ્યા અને અક્ષર પટેલે પણ સારી બોલિંગ કરી અને 2-2 વિકેટ લીધી. ઈંગ્લેન્ડ માટે માત્ર જોસ બટલરે જ સારું પ્રદર્શન કર્યું, તેણે 68 રન બનાવ્યા. જોકે, આ પ્રદર્શનનો વધુ ફાયદો થયો ન હતો કારણ કે ઈંગ્લેન્ડ માત્ર 132 રન સુધી જ પહોંચી શક્યું હતું. ટીમ ઈન્ડિયાએ આ મેચ 43 બોલમાં જીતી લીધી, જે બોલની દ્રષ્ટિએ ઈંગ્લેન્ડ સામે તેની સૌથી મોટી જીત છે.
કોલકાતાની પાટા પિચ પર અભિષેક શર્માએ ઈંગ્લેન્ડના બોલરો પર કોઈ દયા ન બતાવી. આ ખેલાડીએ જોફ્રા આર્ચરની બોલિંગ પર છગ્ગા અને ચોગ્ગા સાથે ઇનિંગની શરૂઆત કરી અને પછી આ ખેલાડીએ માર્ક વુડ, આદિલ રાશિદ, ગસ એટકિન્સનને ખરાબ રીતે આઉટક્લાસ કર્યા. અભિષેક ઉપરાંત સંજુ સેમસને પણ ઝડપી બેટિંગ કરી હતી. તેણે એક જ ઓવરમાં 22 રન બનાવીને ટીમને ઝડપી શરૂઆત અપાવી હતી. જોકે, તે માત્ર 26 રન બનાવીને આઉટ થયો હતો. તેના પછી તિલક વર્માએ અણનમ 19 રન બનાવ્યા હતા.
(10:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
