<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd January 2025

અભિષેકની તોફાની બેટીંગઃ ટીમ ઇન્‍ડીયાની ૭ વિકેટે જીત

 

શર્માએ માત્ર ૩૪ બોલમાં ૭૯ રન (ર૦ બોલમાં ફીફટી)ફટકાર્યા વરૂણ ૩, અર્શદીપ, અક્ષર, હાર્દિકને ર-ર વિકેટઃ શનિવારે બીજો ટી-ર૦

નવી દિલ્‍હીઃ ટીમ ઈન્‍ડિયાએ ટી૨૦ સિરીઝની પહેલી જ મેચમાં ઈંગ્‍લેન્‍ડને ખરાબ રીતે હરાવ્‍યું હતું. પ્રથમ બેટિંગ કરતા ઈંગ્‍લેન્‍ડે માત્ર ૧૩૨ રન બનાવ્‍યા જે ટીમ ઈન્‍ડિયા એ માત્ર ૧૨.૫ ઓવરમાં જીતી લીધી હતી. અભિષેક શર્માએ શાનદાર બેટિંગ કરીને ટીમ ઈન્‍ડિયાને ટી૨૦ શ્રેણીમાં ૧-૦ની લીડ અપાવી હતી. અભિષેકે માત્ર ૩૪ બોલમાં ૭૯ રન બનાવ્‍યા, જેમાં તેના બેટમાંથી ૮ છગ્‍ગા અને ૫ ચોગ્‍ગા આવ્‍યા. માત્ર ૨૦ બોલમાં અડધી સદી ફટકારી હતી, જે ભારતમાં તેની ટી૨૦ આંતરરાષ્ટ્રીય કારકિર્દીની સૌથી ઝડપી અડધી સદી છે.

અભિષેક શર્મા પહેલા બોલરોએ પોતાની તાકાત બતાવી હતી. ખાસ કરીને અર્શદીપ સિંહ અને વરુણ ચક્રવર્તીએ અદભૂત બોલિંગ કરી હતી. અર્શદીપ સિંહે ૪ ઓવરમાં માત્ર ૧૭ રન આપીને ૨ વિકેટ લીધી હતી. વરુણ ચક્રવર્તીએ ૪ ઓવરમાં ૨૩ રન આપીને ૩ વિકેટ લીધી હતી. હાર્દિક પંડયા અને અક્ષર પટેલે પણ સારી બોલિંગ કરી અને ૨-૨ વિકેટ લીધી. ઈંગ્‍લેન્‍ડ માટે માત્ર જોસ બટલરે જ સારું પ્રદર્શન કર્યું, તેણે ૬૮ રન બનાવ્‍યા. જોકે, આ પ્રદર્શનનો વધુ ફાયદો થયો ન હતો કારણ કે ઈંગ્‍લેન્‍ડ માત્ર ૧૩૨ રન સુધી જ પહોંચી શક્‍યું હતું. ટીમ ઈન્‍ડિયાએ આ મેચ ૪૩ બોલમાં જીતી લીધી, જે બોલની દ્રષ્ટિએ ઈંગ્‍લેન્‍ડ સામે તેની સૌથી મોટી જીત છે.

કોલકાતાની પાટા પિચ પર અભિષેક શર્માએ ઈંગ્‍લેન્‍ડના બોલરો પર કોઈ દયા બતાવી ન હતી. આ ખેલાડીએ જોફ્રા આર્ચરની બોલિંગ પર છગ્‍ગા અને ચોગ્‍ગા સાથે ઇનિંગની શરૂઆત કરી અને પછી આ ખેલાડીએ માર્ક વુડ, આદિલ રાશિદ, ગસ એટકિન્‍સનને  ખરાબ રીતે આઉટક્‍લાસ કર્યા હતા. સંજુ સેમસને પણ ઝડપી બેટિંગ કરી હતી. તેણે એક જ ઓવરમાં ૨૨ રન બનાવીને ટીમને ઝડપી શરૂઆત અપાવી હતી. જોકે, તે માત્ર ૨૬ રન બનાવીને આઉટ થયો હતો. તેના પછી તિલક વર્માએ અણનમ ૧૯ રન બનાવ્‍યા હતા.

(10:42 AM IST)