News of Friday, 7th February 2025
હવે વિરાટ કોહલી બીજી વનડે મેચ રમશે કે નહીં?: ફિટનેસને લઈને આવ્યું નવું અપડેટ
વિરાટ કોહલી ઈજાના કારણે પ્રથમ ODI મેચ રમી શક્યો નથી :શુભમન ગિલે બીજી વનડેમાં કોહલીની રમતને લઈને મોટું અપડેટ આપ્યું

મુંબઈ : વિરાટ કોહલી ઈંગ્લેન્ડ સામેની પ્રથમ મેચ ઘૂંટણની ઈજાને કારણે રમી શક્યો ન હતો. વિરાટ પ્લેઈંગ ઈલેવનમાં ન હોવા છતાં ટીમ ઈન્ડિયાએ આ મેચ 4 વિકેટથી જીતી લીધી તે સારી વાત છે. આ મેચમાં ગિલે 87 રનની મેચ વિનિંગ ઇનિંગ રમી હતી, જેના માટે તેને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો. દરમિયાન, વિરાટ કોહલીની ફિટનેસ અને કટકમાં રમાનાર બીજી વનડે મેચમાં તેના રમવા અંગે એક મોટું અપડેટ સામે આવ્યું છે.
મેચ બાદ પ્રસારણકર્તાઓ સાથે વાત કરતા શુભમન ગિલે કહ્યું કે વિરાટ કોહલીના ઘૂંટણમાં સોજો હતો અને મેચના આગલા દિવસે સાંજના પ્રેક્ટિસ સેશન સુધી તે ફિટ અનુભવી રહ્યો હતો. ગિલે કહ્યું, "જ્યારે અમે સવારે ઉઠ્યા ત્યારે અમને જાણવા મળ્યું કે વિરાટના ઘૂંટણમાં થોડો સોજો છે. ગઈકાલે સાંજે પ્રેક્ટિસ સેશન સુધી તે ફિટ અનુભવી રહ્યો હતો. આગામી મેચ સુધી તે સંપૂર્ણ રીતે ફિટ થઈ જશે." વિરાટ કોહલીની કારકિર્દીની આ એવી કેટલીક મેચોમાંથી એક છે જ્યારે વિરાટને ઈજાના કારણે પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર રહેવું પડ્યું હતું.
વિરાટ કોહલી વનડે મેચોમાં ત્રીજા નંબરે બેટિંગ કરે છે, પરંતુ તેની ગેરહાજરીમાં ગિલે ઈંગ્લેન્ડ સામે ત્રીજા નંબરે બેટિંગ કરી હતી. બેટિંગ ક્રમમાં બદલાવ અંગે શુભમન ગિલે કહ્યું, "હું ટેસ્ટ મેચમાં ત્રીજા નંબર પર બેટિંગ કરું છું, તેથી મારા માટે તે કોઈ મોટો ફેરફાર નહોતો, પરંતુ હા, સંજોગો થોડા અલગ હતા. તમે નંબર 3 પર બેટિંગ કરી રહ્યા છો અને શરૂઆતની વિકેટ ઝડપથી પડી જાય છે, તેથી તેણે પરિસ્થિતિ પ્રમાણે બેટિંગ કરવી પડતી હોય છે."
પ્રથમ વનડેમાં 249 રનના લક્ષ્યનો પીછો કરતી વખતે રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલ વહેલા આઉટ થઈ ગયા હતા. 19 રનના સ્કોર સુધીમાં જયસ્વાલ અને રોહિત બંને આઉટ થઈ ગયા હતા. આવી સ્થિતિમાં ગિલે 87 રનની ઇનિંગ રમીને ભારતને હારથી બચાવ્યું હતું.
(12:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
