News of Friday, 7th February 2025
હીટમેને ફરી મુંડાવ્યું: ડેબ્યુ મેચમાં જયસ્વાલ કંઇ ખાસ ઉકાળી ન શકયોઃ ગિલ-શ્રેયસની શાનદાર ઇનિંગ
પ્રથમ વન-ડેમાં ભારતે બાજી મારીઃ અક્ષર-હર્ષિત-જાડેજાનું શાનદાર પ્રદર્શનઃ મેન ઓફ ધ મેચ શુભમન ગિલઃ હવે રવિવારે સિરીઝનો બોજો મેચ

નવી દિલ્હીઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે સિરીઝની પહેલી મેચ નાગપુરમાં રમાઈ હતી. જેમાં ટીમ ઇન્ડિયાએ બાજી મારી છે. ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા આવેલી ઇંગ્લિશ ટીમે ભારતને ૨૪૯ રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં ભારતીય ૪ વિકેટે બાજી મારી લીધી હતી. ભારતીય ટીમે ૬ વિકેટ ગુમાવી જીત નોંધાવી હતી. એટલુ જ નહીં ત્રણ વનડે મેચની સિરીઝમાં ૧-૦થી લીડ પણ મેળવી લીધી છે. ભારતે આ મેચમાં ૩૮.૪ ઓવરમાં ૪ વિકેટથી જીત મેળવી છે.
મેચમાં મેન ઓફ ધ મેચ બનેલા શુભમન ગિલ,તેમજ શ્રેયસ અય્યર, અક્ષર પટેલ, હર્ષિત રાણા અને રવીન્દ્ર જાડેજાનું શાનદાર પ્રદર્શન રહ્યુ. ગિલ, શ્રેયસ અને અક્ષરે ફિફ્ટી ફટકારી હતી. જયારે હર્ષિત અને જાડેજાએ બોલિંગમાં ૩-૩ વિકેટ પોતાના નામે કરી હતી.
ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ભારતે ૧૯ રનના સ્કોરે ૨ વિકેટ ગુમાવી દીધી હતી. યશસ્વી જયસ્વાલ ૧૫ રન અને રોહિત શર્મા ૨ રન બનાવીને આઉટ થયો હતો. ત્યારબાદ શ્રેયસ અય્યરે આક્રમક શરૂઆત કરી ટીમની બાજી સંભાળી હતી. શ્રેયસ અય્યર અને ગિલે ૯૨ રનની પાર્ટનરશીપ કરી. જોકે શ્રેયસ ૩૬ બોલમાં ૫૯ રન બનાવીને આઉટ થયો હતો. ભારતીય ટીમ તરફથી સૌથી વધુ શુભમન ગિલે ૮૭ રન બનાવ્યાં હતા. અક્ષર પટેલે પણ ૫૨ રનની નોંધનીય ઇનિંગ રમી હતી.
મેચમાં પહેલા બેટિંગ કરવા ઉતરેલી ઇંગ્લિશ ટીમ સારુ પ્રદર્શન કરી શકી નહોતી અને ૨૪૮ રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતીય બોલર્સે ઇંગ્લેન્ડને માત્ર ૪૭.૪ ઓવરમાં સંકેલી દીધી હતી. ભારત તરફથી ડેમ્બ્યૂ મેચ રમી રહેલા હર્ષિત રાણા અને રવીન્દ્ર જાડેજાએ ૩-૩ વિકેટ લીધી હતી. મોહમ્મદ શમી, અક્ષર પટેલ અને કુલદીપ યાદવે એક-એક વિકેટ પોતાના નામે કરી હતી.
(4:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
